Tuesday - Oct 27, 2026

માળીયા (મી)ના ખાખરેચી ગામે પતિએ શાક બનાવવાની ના પડતાં પત્નીએ ઝેરી દવા પીને મોતની સોડ તાણી

માળીયા (મી)ના ખાખરેચી ગામે પતિએ શાક બનાવવાની ના પડતાં પત્નીએ ઝેરી દવા પીને મોતની સોડ તાણી

મોરબી : માળીયા (મી)ના ખાખરેચી ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા દંપતી વચ્ચે શાક બનાવવાની બાબતમાં થયેલી બોલાચાલીનો કરુણ અંત આવ્યો હતો. જેમાં રસોઈ બનાવતા મોડું થયું હોવાથી પત્નીએ તેના પતિને કહ્યું હતું કે, હું રોટલા બનાવું છું અને તમે શાક બનાવી નાખો જેથી ઝડપથી રસોઈ થઈ જાય. પરંતુ પતિએ શાક બનાવવાની ના પાડી હતી. પણ આ નાની અમથી વાતમાં દિલમાં હાડોહાડ લાગી આવતા પત્નીએ ઝેરી દવા પીને મોતની સોડ તાણી લીધી હતી. પોલીસે આ  બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે  વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિશાલભાઈ ધીરુભાઈ નાયકના પત્ની સંગીતાબેનએ પાણીની કુંડી પાસે પડેલી ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેઓને લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક મહિલાના પરિવારજન ભાઈલાલભાઈ વેલજીભાઈ નાયકએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલા રાતના નવેક વાગ્યાના અરસામાં રોટલા બનાવતી હતી અને તેને રસોઈ બનાવતા મોડું થઈ ગયું હતું જેથી મહિલાએ તેના પતિને શાક બનાવવાનું કહ્યું હતું ત્યારે મહિલાને તેના પતિએ શાક બનાવવાની ના પાડતા લાગી આવતા પત્નીએ ઝેરી દવા પીને અંતિમ પગલું ભરી લીધું હોવાની પોલીસની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે. આ અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.