ચરાડવા નજીકની ભરડીયાની ઓફિસમાંથી રૂ.1.41 લાખ અને મોરબીના આનંદનગરના મકાનમાંથી રૂ.36,900 રોકડ કબજે
મોરબી : મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરતાં હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક અને મોરબીના બાયપાસ રોડ પર આવેલા આનંદનગરમાં દરોડા પાડ્યા હતા. ચરાડવા નજીક ભરડીયાની ઓફિસમાં જુગાર રમતા શખ્સો મળી આવતાં પોલીસે રોકડ રકમ કબજે કરી હતી. જ્યારે આનંદનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર દરોડો પાડીને પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને બનાવમાં પોલીસે કુલ 16 શખ્સો સામે કાર્યવાહી કરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક સીએનજી પંપની સામેના ભાગમાં આવેલી ભરડીયાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ દરમિયાન જયસુખભાઈ ઓધવજીભાઈ દેસાઈ, દિલીપભાઈ મનજીભાઈ જેતપરિયા, કિશનભાઈ મુકુદરાય ગોંડલીયા, ફેનીલભાઈ કિરીટભાઈ ભૂત, જીગ્નેશભાઈ અરવિંદભાઈ દંતાડિયા, મયંકભાઈ તળશીભાઈ કાવર, જયદીપભાઈ વાલજીભાઈ મોરડીયા, હરગોવિંદભાઈ શંકરભાઈ કાવર, રમેશભાઈ વેલાભાઈ ચિરોડીયા, હરેશભાઈ ઓધવજીભાઈ ફેફર અને મનસુખભાઈ મગનભાઈ માલાસણા મળી આવ્યા હતા.પોલીસે આ શખ્સો પાસેથી રૂ.1,41,000ની રોકડ કબજે કરી હતી. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે, મોરબીના બાયપાસ રોડ પર આવેલા આનંદનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની વિગતોના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી પ્રફુલભાઈ પંડ્યા, ભરતસિંહ પરમાર, રફિકભાઈ કાસમાણી, કલ્પેશભાઈ બરાસરા અને કમલેશભાઈ મેવાડા મળી કુલ પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂં.36,900ની રોકડ કબજે કરી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, બંને સ્થળે પોલીસે કાર્યવાહી કરીને જુગારની પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.