ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠયા બાદ. ચાર વ્યક્તિનો આબાદ બચાવ
હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટિયા નજીક હાઈવે પર એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કચ્છથી અમદાવાદ તરફ જઈ રહેલા એક પરિવારની કિયા કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની જાણ થતાં જ કારમાં સવાર તમામ લોકો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કિયા કંપનીની આ કારનો નંબર GJ 12 FB 4928 છે. આ કારમાં 2 મહિલા અને 2 પુરુષ સવાર હતા અને તેઓ કચ્છથી અમદાવાદ બાજુ જઈ રહ્યા હતા. હાઈવે પર રણજીતગઢના પાટિયા પાસે પહોંચતા જ કારમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે તાત્કાલિક હળવદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સદનસીબે પરિવાર સમયસર કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી છે.