Friday - May 29, 2026

મોરબીમાં લુખ્ખાઓની દાદાગીરી : બાજુની દુકાન કોની છે કહી વેપારીના હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું

મોરબીમાં લુખ્ખાઓની દાદાગીરી : બાજુની દુકાન કોની છે કહી વેપારીના હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું

વેપારીની ફરિયાદ પરથી પોલીસે કાર નંબરના આધારે ચાર શખ્સો સામે ગુંન્હો દાખલ કર્યો

મોરબી : મોરબી તાલુકાના રંગપર વિરાટનગર નજીક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીને તેમની બાજુમાં આવેલી દુકાન કોની છે તેવું પૂછતાં વેપારીએ પોતે જાણતા ન હોવાનું જણાવતા સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખવાનું સાથે મોબાઈલ તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના રંગપર વિરાટનગર નજીક આવેલ ફીનોલાઈટ સિરામિક ફેકટરી સામે હરિપ્રકાશ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા મૂળ પંજાબના વતની યોગેન્દ્રસિંઘ સંદીપસિંઘ જટ્ટએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ રાત્રીના સમયે તેઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે જીજે - 13 - સીબી - 2045 નંબરની સ્વીફ્ટ કારમાં ચાર અજાણ્યા ઈસમો બનાવ સ્થળે આવ્યા હતા અને ફરિયાદી યોગેન્દ્રસિંઘને પૂછ્યું હતું કે, તેમની બાજુમાં આવેલ દુકાન કોની છે. જેથી યોગેન્દ્રસિંઘે પોતે જાણતા ન હોવાનું કહેતા આરોપીઓ લાકડાના ધોકા વડે બેફામ માર મારી ગાળો આપી હાથમાં ફ્રેક્ચર કરી નાખી રૂ.10 હજારનો મોબાઈલ તોડી નાખી નુકશાન કર્યું હતું.સાથે જ ચારેય આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.