મોરબી : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે અભ્યારણ વિસ્તારમાં તેમજ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી શિકારી ટોળકી સક્રિય બની છે. જેના કારણે નિર્દોષ પશુઓ તેનો ભોગ બની રહ્યા છે. આ ટોળકી દ્વારા શિકાર માટે ડાયનામાઈટ ગોઠવી દીધા બાદ તેના પર લોટ નાખી દેવામાં આવે છે જેથી કોઈપણ પશુ તેને મોઢામાં લેતા જ બ્લાસ્ટ થવાથી મોતને ભેટે છે.
શિકારી ટોળકી દ્વારા શિકારની આશાએ ડાયનામાઈટ અભ્યારણ વિસ્તારમાં તેમજ ગામની સીમ વિસ્તારમાં મૂકવામાં આવે છે.જેથી તે તરફ માલધારીઓ પશુ લઈને જાય અને પશુ ચરતું હોય જે સમયે ડાયનામાઈટ મોઢામાં આવે તુરંત જ બ્લાસ્ટ થઈ જાય છે જેના કારણે પશુનું જડબું ફાટી જતું હોય છે. આવી ઘટના ખાખરેચી ગામના ગોપાલભાઈ મેવાડાની ભેંસ સાથે બની છે.તેમની ભેંસ પણ ગઈકાલે સીમમાં ચરતી હતી ત્યારે તેના મોઢામાં બ્લાસ્ટ થતા ભેંસનુ ઝડબુ તૂટી ગયું છે.
જ્યારે થોડા દૂર જ આવી જ રીતે બ્લાસ્ટ થવાના કારણે એક નીલ ગાયનું મોઢું પણ તૂટી ગયું હતું જેના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેથી વન વિભાગ પણ આવી શિકારી ટોળકી પર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.