બી ડિવિઝન પોલીસે હત્યાનું કારણ અને હત્યારાઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી
મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર એક યુવાનની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ કારણોસર છરી અને તમંચાથી યુવાનની હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૂળ સુરેન્દ્રનગરના વતની હાલ છેલ્લા 3 થી 4 મહિના પહેલા મોરબીમાં સ્થાયી થઈ છૂટક મજૂરી કામ કરતા હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી ઉંમર આશરે 30 વર્ષની આજે ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. હાલ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યામાં છરી અને ફાયર આર્મ્સનો ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ હથિયાર અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. હાલમાં આરોપીઓ કોણ છે અને હત્યા પાછળનો હેતુ શું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.