Saturday - May 02, 2026

બહેને પ્રેમી સાથે ઘર સંસાર માંડતા ભાઈએ અનંતની વાટ પકડી

બહેને પ્રેમી સાથે ઘર સંસાર માંડતા ભાઈએ અનંતની વાટ પકડી

 મોરબીમાં બહેને પ્રેમી સાથે ઘર સંસાર માંડતા ભાઈએ અનંતની વાટ પકડી હોવાની ઘટના સામે આવી છે અને મોરબીના લાતી પ્લોટમાં આવેલા ઘડિયાળના કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેને પ્રેમલગ્ન કર્યા હોવાથી પરિવારની આબરૂ ગઈ હોવાની ભાઈની સતત ચિંતા ચિતા બની ગઈ હતી.

મોરબીના ગ્રીન ચોક હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશ ભરતભાઇ દોશી ઉ.વ.28 નામના યુવાને શહેરના લાતી પ્લોટ શેરી નંબર 5 અને 6 વચ્ચે આવેલ નીરવ આર્ટ નામના ઘડિયાળના કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા  તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસના પ્રાથમિક તારણ મુજબ મૃતકની બહેને પ્રેમી સાથે ઘર સંસાર વસાવવા માટે તેના પરિવારની આબરૂ વિશે જરાય વિચાર્યા વગર તેમની ઉપરવટ જઈ ઘર છોડીને પ્રેમલગ્ન કરી લીધા હતા. બહેનના આ પગલાંથી તેના ભાઈને માઠું લાગી આવવાથી ભાઈ પ્રિતેશભાઈએ આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.