Saturday - May 02, 2026

24 વર્ષથી આમરણથી અલગ પડેલા ડાયમંડનગરમાં પીવાના પાણીનું મોટું દુઃખ

24 વર્ષથી આમરણથી અલગ પડેલા ડાયમંડનગરમાં પીવાના પાણીનું મોટું દુઃખ

 મોરબી તાલુકાના ડાયમંડનગર ગામે પીવાના પાણીનું મોટું દુઃખ છે. દર ચાર દિવસે વાવડી ગામ તરફથી પાણી આવતું હોય એ પાણી પણ અપૂરતું આવતું હોવાથી ગામમાં બધા લોકોને પીવાનું પાણી મળતું નથી. આ ગામમાં પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન સળગતો હોય પીવાનું પાણી પૂરતું મળતું ન હોય ત્યાં સિંચાઈ માટે પાણી ક્યાંથી મળે ? એટલે ગામની હરિભરી ખેતીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

મોરબી તાલુકાના ડાયમંડનગર ગામના સરપંચ હીનાબેન કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે,  24 વર્ષ પહેલાં આમરણમાંથી આ ગામ અલગ પડીને સ્વતંત્ર બન્યું હોવા છતાં હજુ સુધી પીવાના પાણી અને સિંચાઈની મોટી પીડા છે. આ ગામની વસ્તી 4 હજારની અને મુખ્ય વ્યવસાય ખેતી અને મજૂરી કામ તેમજ ગામમાં આરોગ્ય કેન્દ્ર, ગામના રસ્તા 50 ટકા સારા અને 100 ટકા ભૂગર્ભ ગટર, ધો.1થી 7ની સ્કૂલ, સ્વચ્છતા માટે ટ્રેક્ટર આપ્યુ હોય અને લારી ન આપતા ગ્રામ પંચાયત દ્વારા લારી ભાડે રાખી ગામનો કચરો ઉપાડવામાં આવે છે. ડાયમંડનગરથી કોઠારીયા, અંબાલા, જુના જીવાપર, કુંતાસી, કેરાળી, ફાડસર, માવનું ગામ સહિતના માર્ગો કાચા હોય બિસમાર છે. જ્યારે કોયલી ડેમમાંથી ડેમી-3માંથી સીધા આ ગામની ખેતીમાં પાણી પહોંચાડવા માટે નાખેલા ભૂગરા નાખ્યા હોય એ નકામા છે કારણ કે, અમુકને જ પાણી પહોંચે છે. તમામ ખેડૂતો સુધી કુંડી ન હોય હજુ સુધી સિંચાઈની સુવિધા અધરતાલ છે.જો કે આ માટે 20 કરોડ ખર્ચ કર્યા અને ખેડૂતોની જમીન પણ કપાતમાં ગઈ એનું શું તેવુ ગ્રામજનોએ હૈયાવરાળ ઠાલવી હતી.