1) મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જન સામાન્યની સાથો સાથ દિવ્યાંગ નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વાંકાનેર હળવદ અને ચંદ્રપૂરમાં હાલમાં અત્યારે ચુંટણીનો ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે દિવ્યાંગ મતદાર નેપાભાઈ દેવાભાઇ અજાણા ઉંમર વર્ષ ૫૮ એ જણાવ્યું હતું કે આજના આ લોકશાહીના પવિત્ર પ્રસંગે હું સુરદાસ હોવા છતાં ઉત્સાહભેર દેશ પ્રત્યે મારી ફરજ બજાવવા હાજર થયો છું અને મેં ઉત્સાહભેર મતદાન કર્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના તમામ નાગરિકો મતદાન કરવા માટે આગળ વધે અને અન્યને પણ આજના દિવસે જાગૃત કરે તેવી તેઓએ અંતમાં અપીલ કરી હતી..
2) વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મતદાન કર્યું
મોરબી જિલ્લામાં આજરોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉત્સાહભેર મતદાન થયું હતું. આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મતદાન કર્યું હતું. તેઓએ પ્રાસંગિક રીતે જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે અમે પણ આજે મતદાન કર્યું છે. આજે લોકશાહીના પાવન પર્વમાં સ્થાનિક નાગરિકો મતદાન કરવા આગળ આવે અને મહતમ રીતે મતદાન કરે તેવી અમારી સર્વેને અપીલ છે.
૬૦ થી લઈને ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ નાગરિકોએ કર્યું ઉત્સાહભેર મતદાન
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજ સવારના ૦૭:૦૦ કલાકથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આબાલવૃદ્ધ નાગરિકો સર્વે સાથે મળીને વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઉત્સાહભેર ઉમટી રહ્યા છે. તેના ભાગરૂપે આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના વિવિધ તાલુકા મથક પર ખૂબ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ નાગરિકોએ મતદાન કર્યું હતું અને દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.