મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોને નશાની ગર્તામાં ધકેલવા માટે દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીતસરના પોઇન્ટ શરૂ કરી ખુલ્લેઆમ દેશી -વિદેશી દારૂનો વેપલો કરી રહ્યાનું જગજાહેર છે ત્યારે પોલીસના આશીર્વાદથી દારૂની હેરફેર પણ ખુલ્લેઆમ ચાલી રહી હોય આવા જ એક કિસ્સામાં પુટપાટ ઝડપે દેશી દારૂની ડિલિવરીમાં નીકળેલી એક કાર મહેન્દ્રનગર નજીક ફર્ન હોટલ પાસે હાઇવે પર પલ્ટી જતા રોડ પર દારૂના વહેણ વહેતા થવાની સાથે દારૂની કોથળીઓની રેલમછેલ જોવા મળી હતી.
આજે શુક્રવારે વહેલી સવારે મોરબી-માળીયા નેશનલ હાઇવે પર મહેન્દ્રનગર નજીક ફર્ન હોટલ પાસે દેશી દારૂ ભરેલી 19જીજે-બીએ-1366 નંબરની હ્યુન્ડાઇ કંપનીની વર્ના કાર રોડ પર કોઈ કારણોસર પલ્ટી મારી જતા રોડ પર દેશી દારૂની નદી વહેતી થઇ હતી.અકસ્માત બાદ વર્ના કારનો ચાલક પોબારા ભણી ગયો હતો.જો કે, હાઇવે પર દેશી દારૂ ભરેલી કાર પલ્ટી ગયા બાદ કારમાં ભરેલી મોટી-મોટી પ્લાસ્ટિકની દારૂ ભરેલી કોથળીઓ પણ રેલમછેલ થઇ હતી.અકસ્માત બાદ બનાવ સ્થળે એકત્રિત થયેલા લોકોએ પોલીસની ઢીલી નીતિને પાપે જ બુટલેગરો બેફામ બન્યા હોવાના આરોપ લગાવ્યા હતા.