Saturday - Feb 14, 2026

ટંકારા નજીક ડેમી-2 ડેમમાં ઝંપલાવનાર સગીરનો મૃતદેહ મળ્યો

ટંકારા નજીક ડેમી-2 ડેમમાં ઝંપલાવનાર સગીરનો મૃતદેહ મળ્યો

ટંકારા : ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક સગીરે ગઈકાલે સાંજે ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકો અને મોરબીની ફાયર ટીમે આ સગીરને શોધવા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અને ગતરાત્રે સગીરનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઇવે પર ડેમી-2 માં 12 નાલેથી એક સગીરે ગઈકાલે સાંજે પડતું મૂક્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ મોરબી ફાયરની ટિમે પણ ઘટના સ્થળે પહોંચી પાણીમાં સગીરની શોધખોળ ચલાવી હતી. દરમિયાન ગતરાત્રે 10:30 વાગ્યાના અરસામાં સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ બંસી પ્રવીણભાઈ કટારીયા ઉ.વ.17 રહે. લજાઈ હોવાનું સામે આવ્યું છે અને લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુમાં તેણે અંતિમ પગલું કેમ ભર્યું તે દિશામાં તપાસ કરવામાં આવશે.