વાંકાનેર: તારીખ 4 ઓક્ટોબર 2026, રવિવારના રોજ વાંકાનેર તાલુકાના ભેંરડા ગામે સમસ્ત તળપદા કોળી સમાજના મુખ્ય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેર, ચોટીલા, થાન, મૂળી, હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના ૧૦૦થી વધુ ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં સમરસતા જળવાય અને આર્થિક બોજ ઘટે તે હેતુથી દીકરીઓના વરદ્હસ્તે નવું બંધારણ ખુલ્લું મૂકી અમલમાં લાવવામાં આવ્યું.
નવા બંધારણના મુખ્ય નિયમો:
મર્યાદિત સંખ્યા: સગાઈ અને શ્રીમંત વિધિમાં વધુમાં વધુ ૫૧ વ્યક્તિઓએ જ જવું.
દાગીનાની મર્યાદા: લગ્નમાં સોનાના દાગીના વધુમાં વધુ ૩ તોલા અને ચાંદીના દાગીના ૨૫૦ ગ્રામ સુધી જ રાખવા.
ડી.જે. અને ફટાકડા પર પ્રતિબંધ: ફુલેકું, વરઘોડો, જાન કે ગોતીડામાં ડી.જે. વગાડવા પર તેમજ લગ્નમાં ફટાકડા ફોડવા અને પાર્ટી પેપર ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
સામાજિક સુધારા: મામેરું બેઠું વધાવવું અને લગ્ન પ્રસંગે જાન પાસેથી શિક્ષણ ફંડ લેવું.
લૌકિક વિધિ: મરણ પ્રસંગે બેસણું માત્ર ૨ દિવસ અને ૧ દિવસ પાણીઢોર મળી કુલ ૩ દિવસ જ રાખવું.
આ તકે સમાજના આગેવાનોની બહોળી હાજરીમાં આ પ્રગતિશીલ નિર્ણયોને આવકારી એકમતથી સ્વીકારવામાં આવ્યા હતા.