Friday - May 01, 2026

મોરબીમાં ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન

સમગ્ર મયુર નગરી જેના પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. તે દિવગત સંત  કેશવાનંદ બાપુની સમાધિને 25 પૂર્ણ થતાં તેમની રજત જયંતિ નિમિત્તે મોરબીના બેલા ગામ પાસે આવેલા ખોખરા હરીહર આશ્રમ ખાતે કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભાગવત ઉપર તત્વચિંતન કરનાર જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા કથાનું રસપાન કરાવશે. 

મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હરિહર ધામ ખાતે આવતીકાલ તા.19/9 થી તા 25/9 સુધી સંત કેશવાનંદ બાપુની સમાધિના 25માં વર્ષે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કથાની સાથે રાત્રે સંતવાણી, ભજન, લોકડાયરો સહિતના મોટા કાર્યક્રમો યોજાશે. આ કથા દરરોજ સવારે 9:00 કલાકે શરૂ થશે અને કથાનું શ્રવણ કરવા આવનાર શ્રદ્ધાળુ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દૈનિક 15,000 જેટલા લોકો કથા શ્રવણ કરશે તેમજ દેશભર અને ગુજરાતભરમાંથી સંતો મહંતોને કથામાં આવનાર હોવાથી તેમની હાજરીને ધ્યાને લઇ યોગ્ય બેઠક વ્યવસ્થા સાથે ભવ્ય સામિયાણો તૈયાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના વીસીપરામાં આવેલા ધોળેશ્વર સ્મશાન રોડ ઉપર  કેશવાનંદ બાપુનો મૂળ આશ્રમ આવેલ છે અને ત્યાં તેઓની તપોભૂમિ હતી તે ઉપરાંત તેઓ જ્યારે બેચેની અનુભવતા કે જ્યારે શ્રદ્ધાળુનો ઘસારો વધુ હોય ત્યારે એકાંતમાં તપ કરવા માટે મોરબીના બેલા ગામ પાસે આવેલા ડોક્ટર હનુમાન તરીકે જે તે સમયે ઓળખાતા એટલે હાલના ખોખરા હનુમાન ધામ ખાતે જતા હતા અને ત્યાં તેઓ તપ સમાધિ કરતા હતા આજે જ્યારે પૂજ્ય કેશવાનંદ બાપુને સમાધિ આપી તેને 25 વર્ષ થઈ રહ્યા છે ત્યારે રજત જયંતિ વર્ષ નિમિત્તે તેઓની સિદ્ધ કરેલી પાવનભૂમિ એવા ખોખરા હરિહર ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.