મોરબીમાં કેટલાક યુવાનોએ જાહેરમાં જોખમી રીતે બર્થડે સેલિબ્રેશન કર્યું હોવાના વહેતા થયેલા વિડીયાએ ભારે ચકચાર મચાવી છે. કેટલાક યુવાનો હાથમાં પોતાની જાત અને બીજાના જીવને જોખમમાં મૂકી ફટાકડાની આતિષબાજી કરતા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે. જાહેરની સલામતી માટે કોઈને કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય એવું આ વીડિયો પરથી ફલિત થાય છે.
મોરબીના સામાકાંઠે એલ ઇ ક્રિકેટ ગાઉન્ડ બાજુમાં આવેલ નવા બનેલા ડી માર્ટ મોલની પાછળ કેટલાક શખ્સો જાહેરમાં પોતાનો તેમજ બીજાનો જીવ જોખમમાં મૂકીને ફટાકડાની આતિષબાજીની કરીને બર્થ ડે પાર્ટીનો વિડીયો સોશ્યલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ આ સ્થળે કેટલાક શખ્સો જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન માટે ભેગા થયા હતા અને બાઇક ઉપર પહેલા કેક રાખ્યો હતો. બાદમાં આ શખ્સ મોટી આતિશબાજીના ફટાકડાને હાથમાં જ ફોડે છે અને ત્રણ ચાર ફટાકડા હાથમાં રાખેલા એ ફટાકડાના બોક્સમાંથી ફૂટ્યા બાદ કોઈ બીજો શખ્સ હાથથી ઉલાળી દેતા આડેધડ ધણીફૂટ ફટાકડા ફૂટતા જાહેરમાં ભાગદોડ મચી જાય છે. આ બધી જોખમી પ્રવૃત્તિ પાછળ કારમાં બેઠેલો એક યુવાન મોબાઈલમાં કંડારી લે છે અને બાદમાં વાયરલ કરે છે. જો કે આ ઘટના ચાર દિવસ પહેલાની કહેવાય છે. પણ આ ગંભીર કહી શકાય તેવી ઘટનામાં પોલીસે કોઈ પગલાં લીધા નથી. અવારનવાર જાહેરમાં જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન થાય છે. પણ પોલીસ આવી ઘટનામાં ઢીલી નીતિ રાખતી હોવાથી જાહેરમાં જોખમી બર્થ ડે પાર્ટીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. તેથી પોલીસે રહેમને બદલે કડકાઈ દાખવવાની જરૂર છે.