મોરબી : મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટેની પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ ટંકારા પોલીસે મોટી સફળતા મેળવી છે. ગજડી ગામે અલગ-અલગ વાડી વિસ્તારમાંથી થયેલ કોપર વાયરની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે અને બે આરોપીઓને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન એક મોટરસાયકલ પર પ્લાસ્ટિકના બાચકા સાથે બે ઇસમો શંકાસ્પદ રીતે પસાર થતા મળી આવ્યા હતા. પોલીસે તેમને અટકાવી બાચકામાં તપાસ કરતા તેમાંથી અંદાજે ૨૫ કિલો રતાશ પડતો કોપર વાયર મળી આવ્યો હતો. આ વાયર બાબતે સંતોષકારક પુરાવા કે બિલ ન આપી શકતા પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ તા.૨/૦૨/૨૦૨૬ થી ૩/૦૨/૨૦૨૬ ની રાત્રિ દરમિયાન ગજડી ગામની સીમમાં આવેલ અલગ-અલગ વાડીઓમાંથી કેબલની ચોરી કરી હતી. આથી આરોપીઓ પારસીંગ મંગુભાઇ ડામોર (ઉં.વ. ૩૪), રહે. હાલ ગજડી, મૂળ એમ.પી., અનીલભાઇ ગુમાનભાઇ પસાયા (ઉં.વ. ૨૪), રહે. હાલ ગજડી, મૂળ એમ.પી.ને કોપર વાયર અંદાજે ૨૫ કિલો (કિંમત રૂ. ૧૨,૫૦૦/-) મોટરસાયકલ: હીરો સ્પ્લેન્ડર પ્લસ નં. MP-45-MU-7921 (કિંમત રૂ. ૨૫,૦૦૦/-),મોબાઈલ ફોન: ૩ નંગ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૫૨,૫૦૦/- નો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી આ ગુનામાં સંડોવાયેલ બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.