Saturday - Jul 04, 2026

દસ્તાવેજો ન આપનારને મોરબી મહાનગરપાલિકાની બીજી તક, નહીં તો કાયદેસરની કાર્યવાહી

દસ્તાવેજો ન આપનારને મોરબી મહાનગરપાલિકાની બીજી તક, નહીં તો કાયદેસરની કાર્યવાહી

મોરબી:- મોરબી મહાનગરપાલિકા દ્વારા GRUDA (ઈમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અંગેની કાર્યવાહી વધુ સક્રિય બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જેમણે અનધિકૃત બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા અરજી કરી હતી અને જે અરજીઓ 1971ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોને લગતી છે, પરંતુ તેમાં પૂરતા દસ્તાવેજો રજૂ થયેલા ન હતા, તેવા અરજદારોને અગાઉ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પત્ર પાઠવવામાં આવ્યા હતા.

આ છતાં, જે અરજદારો દ્વારા આજદિન સુધી જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી, તેવા અરજદારોને હવે પુનઃ પત્ર પાઠવી બીજી તક આપવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, પત્રમાં દર્શાવ્યા મુજબના બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને આધારભૂત કાગળો ટાઉન પ્લાનિંગ શાખામાં તાત્કાલિક જમા કરાવવાના રહેશે, જેથી રેગ્યુલરાઇઝેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય.

આ ઉપરાંત, મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા શહેરની હદમાં આવેલા એવા મકાનો, હોટેલ, મલ્ટીપ્લેક્ષ તથા થિયેટરો જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય છે, તેવા બાંધકામોના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. આવા બાંધકામ માટે જરૂરી વિકાસ પરવાનગી (Development Permission) તેમજ અન્ય જરૂરી મંજૂરીઓના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે.

જો નિયત સમયમર્યાદામાં સંબંધિત વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળતા રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, આ સમગ્ર કાર્યવાહી શહેરના આયોજનબદ્ધ વિકાસ, કાયદેસર બાંધકામ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હેતુસર કરવામાં આવી રહી છે. તમામ સંબંધિત અરજદારો, સંચાલકો અને સંસ્થાઓને આ સૂચનાઓનું પાલન કરવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.