Saturday - Jul 04, 2026

ખોટા ખર્ચને તિલાંજલિ: મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સાદાઈ અને ભવ્યતાથી ૨૪ દીકરીઓને વળાવશે

ખોટા ખર્ચને તિલાંજલિ: મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સાદાઈ અને ભવ્યતાથી ૨૪ દીકરીઓને વળાવશે

૧૦ ફેબ્રુઆરીએ મોરબીમાં શરણાઈના સૂર ગુંજશે: વરીયા પ્રજાપતિ સમાજ યોજશે ૩૯મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ
મોરબી: સમાજમાં સામાજિક ખર્ચ ઘટાડવા અને એકતાની ભાવનાને વેગ આપવાના ઉમદા હેતુસર, મોરબી વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આગામી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ ૩૯મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૂડા અવસરે સમાજના ૨૪ નવદંપતીઓ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને નવજીવનની શરૂઆત કરશે.

ક્યાં યોજાશે આ મંગલ પ્રસંગ?
આ સમૂહ લગ્નનું આયોજન મોરબી-૨ વિસ્તારમાં, એસ્ટ્રોન સિરામિકની પાછળ અને રિવેરા સિરામિકની બાજુમાં કરવામાં આવ્યું છે. મહા વદ-૮ ના પવિત્ર દિવસે યોજાનાર આ પ્રસંગમાં સંતો-મહંતો સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે.

કાર્યક્રમની રૂપરેખા:
લગ્નોત્સવની શરૂઆત વહેલી સવારે ૫:૩૦ કલાકે ગણેશ સ્થાપનાથી થશે. ત્યારબાદ સવારે ૮:૧૫ કલાકે જાનનું સ્વાગત અને સામૈયા કરવામાં આવશે. સવારે ૯:૩૦ કલાકે યોજાનાર સમારંભમાં આમંત્રિત મહેમાનો અને સંતો આશીર્વચન પાઠવશે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સવારે ૧૦:૧૫ કલાકે હસ્ત મેળાપ યોજાશે અને બપોરે ૧:૧૫ કલાકે દીકરીઓને વિદાય આપવામાં આવશે.

સંતોના આશીર્વાદ અને ૧૨૦ વસ્તુઓનો કરિયાવર:
આ પ્રસંગે પ.પૂ. મેહુલદાસ બાપુ અને યોગીશ્રી જ્યોતનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા શોભા વધારશે.
દાતાઓ તરફથી નવદંપતીઓને સંસાર માંડવા માટે સોના-ચાંદીના દાગીના, કબાટ, પલંગ, ગાદલાં, વાસણો તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સહિત રસોડાની નાની-મોટી ૧૨૦થી વધુ વસ્તુઓ ભેટમાં આપવામાં આવશે.

પુસ્તક પ્રદર્શન: એક નવી પહેલ
લગ્નની પરંપરાગત ઉજવણીની સાથે સમાજમાં શિક્ષણ અને વાંચન પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ વખતે લગ્નસ્થળે ખાસ ‘પુસ્તક પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે, જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વરીયા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ રાત-દિવસ જહેમત ઉઠાવી રહી છે.

ખોટા ખર્ચને તિલાંજલિ: મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજ સાદાઈ અને ભવ્યતાથી ૨૪ દીકરીઓને વળાવશે