મોરબી : માળીયા (મીંયાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાવરગ્રીડની લાઇનમાંથી થયેલી વાયર ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 13.50 લાખની કિંમતના વાયર અને 4 લાખની કિંમતના વાહન સાથે બે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીંયાણા પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દરબારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પાવરગ્રીડ લાઇનમાંથી વાયરની ચોરી કરનાર શખ્સો અંજીયાસર ગામ ગાંડીવ કારખાના તરફ વાહન સાથે આવી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે જગ્યા પર જઈ વાહન ચેકીંગ કરતા એક ટાટા ઇન્ટ્રા પીકઅપ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું અને અંદરથી વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનમાં સવાર અનીસભાઇ સલેમામદભાઇ મોખા (રહે. ભુતેશ્વર ફળીયુ, ભુજ) અને મુસ્તાકભાઇ હાજીભાઇ મેર (રહે. લોરીયા ગામ, ભુજ) ની અટકાયત કરી હતી. તેઓની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંનેએ ચોરીના ગુનાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી આશરે 4500 મીટર કોપર વાયર (કિંમત રૂ. 13,50,000) અને એક ટાટા ઇન્ટ્રા પીકઅપ રજીસ્ટ્રેશન નંબર GJ-12-CT-1408 (કિંમત રૂ. 4,00,000) કબ્જે કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.