દરેક અબોલ જીવોની સેવા કરવી એ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. આ ધર્મને મોરબીના નિવૃત શિક્ષકે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. એ પણ ભિક્ષુક બનીને અબોલ જીવો માટે સેવાયજ્ઞ ચલાવે છે. નોકરીમાંથી નિવૃત થઈને તેઓ અબોલ જીવોની સેવા માટે પ્રવૃત્તિમય રહ્યા એ નાની સુની વાત નથી. કારણ કે મોટાભાગના લોકો નિવૃત્તિનો સમય આરામમા પસાર કરે છે. ત્યારે આ નિવૃત શિક્ષકને જરાય શરમ નથી. સોસાયટીઓ માંથી રોટલા રોટલી સહિતનું અન્ન એકત્ર કરીને અનેક અબોલ જીવોને ખવડાવે છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રણછોડભાઈ ઓડિયાને શિક્ષક તરીકે નિવૃત થયા બાદ અબોલ જીવ માટે કઈક કરવાનો વિચાર આવ્યો હતો અને પરિવાર પાસે પહેલા મંજુરી માંગીને અબોલ જીવોની સેવા કાર્ય માટે લાગી ગયા હતા. જો કે ભિક્ષુક બનીને ઘરે ઘરે ફરી ને પશુઓ માટે અન્ન એકત્ર કરવાનું કામ સહેલું નથી. કોઈ એમ પણ વિચારે કે પૈસે ટકે સુખી આ માણસને એવું તે શું થઈ ગયું કે ઘરે ઘરેથી અન્ન ઉઘરાવવું પડે છે.પણ કોઈ શુ કહેશે એની શરમ સંકોચ નેવે મુકી દીધી હતી. શરુઆતમાં તેઓએ રીક્ષા ખરીદી લીધી બાદમાં સામાકાંઠા વિસ્તારની ૮ જેટલી સોસાયટીમાં જુદી જુદી જગ્યાઓ પર ડોલ મુકીને અન્ન એકત્ર કરવાની શરૂઆત કરી સવારમાં રણછોડભાઈ રીક્ષા લઇને નીકળી પડે છે. અબોલ જીવ માટે ભિક્ષુક બનીને આ સોસાયટીઓમાં ફરીને ડોલમાં એકત્ર થયેલ રોટલા અને રોટલી ભેગા કરે બાદમાં ઢોરને બેસવાની જગ્યાઓ પર જાય અને તેમને જમાડે છે.
રીક્ષા દેખાતા જ પશુઓ ટોળે વળે છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગમે ત્યાં અબોલ પશુઓ બેઠા હોય કે ઉભા હોય ત્યાં રણછોડભાઈ એક રીક્ષા લઈને પહોચે એટલે તરત જ બધા જ ઢોર તેમની તરફ દોડે છે કારણ કે તેમને ખબર જ હોય છે કે આ રીક્ષા તેમના માટે ખાવાનું લઇને જ આવી છે, રીક્ષા જોતા જ ગાય અને ખુંટીયા શ્વાન સહિતના અબોલ જીવો રીતસર દોડે છે. રોટલા રોટલી જેવું અનાજ ખાય છે. રણછોડભાઈનું આ સેવા કાર્ય છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે
અકેલે હી નીકલે થે લોગ જુડતે ગયે ઓર કારવા બનતા ગયા
બે વર્ષ પહેલાં રણછોડભાઈએ એકલા હાથે જ આ સેવા કાર્ય શરૂ કર્યું હતુઁ પણ કહેવાય છે ને કે, અકેલે હી નીકલે થે લોગ જુડતે ગયે ઓર કારવા બનતા ગયા એમ આ સેવાની સફરમાં મોરબીના ઘનશ્યામભાઈ માલાસણા એ પણ શ્રમ દાન કરવાનું શરુ કર્યું છે. તેઓ પણ રણછોડભાઈ સાથે રીક્ષામાં નીકળે અને સોસાયટીઓમાં ફરી ને અન્ન એકત્ર કરવાના કામમાં જોડાયા તેથી રણછોડભાઈ ને સાથી મળ્યા અને ઘનશ્યામભાઈ ને પુણ્યનું ભાથું બાંધવાની તક મળી છે.
સરકારી પેન્સનમાંથી અબોલ જીવોની સાથે જરૂરિયાત મંદોની સેવા
રણછોડભાઈ ભિક્ષુક તો બન્યા પરંતુ તેમના માટે નહિ તેમને તો સરકારી પેન્સન પણ આવે છે જેનો એક હિસ્સો આજે પણ આ અબોલ જીવ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો ને કામ આવે એ માટે વપરાય છે તેઓ ભિક્ષુકની જેમ દરરોજ અન્ન એકત્ર કરી ને અબોલ જીવની આંતરડી ઠારવા પ્રયાસ કરી રહ્યા છે આ ઉપરાંત તેમના આ કામ થી સોસાયટી વિસ્તારોમાં સ્વચ્છતા રાખવાની પણ આદત બની રહી છે.