મારી પત્ની સામે કાતર મારીને કેમ જુએ છે કહી પિતા પુત્રોએ મધ્યરાત્રીએ ખૂની ખેલ ખેલ્યો : નિર્દોષ યુવાન સાળાને બચાવવા જતા મોતને ભેટ્યો
મોરબી : મોરબીમાં દિવાળીના સપરમાં દિવસોમાં ગઈકાલે મધ્યરાત્રીએ સિપાઈ વાસ નજીક ગઢની રાંગ પાસે નજીવી બાબતે પિતા પુત્રોએ ખૂની ખેલ ખેલી સાળા - બનેવીને આંતરી છરી વડે હુમલો કરતા આ ગંભીર બનાવમાં નિર્દોષ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો છે. હત્યાને અંજામ આપનાર આરોપીઓ પણ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબીના સિપાઈવાસમાં જમાદાર શેરીમાં રહેતા મોહસીન ફારૂકભાઈ કુરેશી ઉ.વ. 33 નામના યુવાને સિપાઈ વાસમાં જ રહેતા ખાલિદ ફિરોઝભાઈ સમા, સકીલ ફિરોઝભાઈ સમા અને આરોપી ફિરોઝભાઈ ઉસ્માનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેના મોબાઈલમાં આરોપી ખાલિદનો ફોન આવ્યો હતો કે, તું કેમ મારી પત્ની સામે કાતર મારીને જુએ છે. જેથી ફરિયાદી મોહસીનભાઈએ કહ્યું હતું કે, મે તારા પત્નીને જોયા પણ નથી તો કાતર મારવાની વાત જ ક્યાં રહી. આમ છતાં આરોપી ખાલીદે વારંવાર ફોન કરી જ્યાં હોય ત્યાંથી સિપાઈવાસમાં આવવાનું કહ્યું હતું.
ફરિયાદી મોહસીનભાઈના સંબંધીના પુત્રને અકસ્માત નડ્યો હોવાથી સિવિલમાં દાખલ કર્યા હોય જ્યા મૃત્યુ નીપજ્યું હોવાથી સિવિલ હોસ્પિટલ હતા તેવા સમયે જ ફરી આરોપી ખાલીદનો ફોન આવતા ફરિયાદી મોહસીનભાઈ અને તેમના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી ઉ.વ.22 રાત્રીના દોઢેક વાગ્યે સિપાઇવાસમાં ચાલીને જતા હતા ત્યારે ગઢની રાંગ પાસે પહોંચતા આરોપી ખાલિદ, શકિલ અને ફિરોઝભાઈએ બન્નેને આંતરી છરી લઈને તૂટી પડયા હતા. આ ખૂની હુમલામાં મૃતક મકબુલભાઈ સાળા મોહસીનને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ છરીના ઉપરા છાપરી ઘા ઝીકી પથ્થરના ઘા ઝીકતા મકબુલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ હુમલામાં મોહસીનને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સારવારના છે. બનાવ અંગે હાલ સીટી એ ડિવિઝન પોલીસે મોહસીનભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધ્યો છે. આરોપીઓ હાલ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.