મોરબી:યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના રાષ્ટ્રવ્યાપી આહવાનના પગલે મોરબીમાં આજે બેંક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. નેહરુ ગેટે આવેલી બેંક ઓફ બરોડા ખાતે એકત્રિત થયેલા કર્મચારીઓએ '૫ દિવસના બેંકિંગ' (5-Day Banking) ની મુખ્ય માંગ સાથે સરકારની નીતિઓ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ૧૨ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત તમામ ખાનગી બેંકોના યુનિયનોએ પણ જોડાઈને એકતા પ્રદર્શિત કરી હતી.
UFBU મોરબી યુનિટના કન્વીનર અને INBOC ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "વર્ષ ૨૦૧૫માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે ભવિષ્યમાં તમામ શનિવાર રજા આપવાનું વચન આપ્યું હતું. વર્ષ ૨૦૨૪માં IBA (ઇન્ડિયન બેંક્સ એસોસિએશન) ની મંજૂરી હોવા છતાં સરકાર આ નિર્ણય લેવામાં અખાડા કરી રહી છે.
અન્ય સેક્ટર્સ સાથે સરખામણી થતાં યુનિયને સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે RBI, સરકારી કચેરીઓ, વીમા સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં ૫ દિવસનું સપ્તાહ અમલમાં છે, તો બેંક કર્મચારીઓ સાથે જ અન્યાય કેમ? વિકસિત દેશોની જેમ ભારતમાં પણ 'વર્ક-લાઈફ બેલેન્સ' અનિવાર્ય છે.
તેથી બેંક યુનિયનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે પરંતુ તેમના હિતના નિર્ણયો લેતી નથી. જો ટૂંક સમયમાં ૫ દિવસના બેંકિંગ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.