મોરબી : મોરબીના નીચી માંડલ ગામે પાનની દુકાનમાં કામ કરતા યુવાનને શેઠ સાથે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી થયા બાદ ગામડે ચાલ્યો જતા પાનની દુકાન ધરાવતા બે શખ્સોએ આ યુવાન જેની સાથે રહેતો હતો તેવા બે નિર્દોષ યુવાનને કારખાનેથી ઉપાડી લઈ પાનની દુકાને લઈ જઈ ત્રણ કલાક સુધી માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ભલગામના રહેવાસી અને હાલમાં નીચી માંડલ ગામે રહી મજૂરી કરતા કાનજીભાઇ રામાભાઈ સુરેલા નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં નીચી માંડલ ગામે રાધે પાન નામની દુકાન ધરાવતા આરોપી જીતેન્દ્ર પટેલ અને વિપુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેના કાકાના દીકરા કિરણભાઈના મિત્ર હિતેશ રાધે પાનની દુકાનમાં કામ કરતો હોય અને તેના શેઠ જીતેન્દ્ર પટેલ સાથે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી થતા હિતેશ ફરિયાદી કાનજીભાઈનું બાઈક લઈ ગામડે ચાલ્યો ગયો હતો.
વધુમાં હિતેશ ગામડે જતો રહેતા તા.20ના રોજ રાધે પાનની દુકાનનો સંચાલક જીતેન્દ્ર પટેલ અને તેનો ભાઈ વિપુલ પટેલ ફરિયાદી કાનજીભાઈ અને તેના કાકાના દીકરા કિરણ પાસે આવી હિતેશને તમે ભગાડી દીધો કહી ઝઘડો કરી જીતેન્દ્રની ગાડીમાં બેસાડી રાધે પાનની દુકાને લઈ ગયા હતા અને રાત્રે બે વાગ્યે ખુરશીમાં બેસાડી ત્રણ કલાક સુધી બેફામ માર મારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.