Tuesday - Oct 06, 2026

વાંકાનેરના લક્ષ્મીપરામાં પ્રેમલગ્નનો ખાર રાખી દિયર-દેરાણી પર હુમલો

વાંકાનેરના લક્ષ્મીપરામાં પ્રેમલગ્નનો ખાર રાખી  દિયર-દેરાણી પર હુમલો

ત્રણ શખ્સોએ લાકડી-પટ્ટા અને ઢીકાપાટુથી માર માર્યો, સારવાર બાદ મહિલાની ફરિયાદ

મોરબી : વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પરિણીતા સાથે પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈ અને ભાભી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમલગ્નની બાબતનો ખાર રાખીને કરાયેલા આ હુમલામાં લાકડી, પટ્ટા અને ઢીકાપાટુથી માર મારવામાં આવતા દંપતીને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લક્ષ્મીપરા શેરી નં. 2માં રહેતા શાહીનાબેન વસીમભાઈ અમરેલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દિયરે અલ્ફેઝ અલીમામદ માણેકિયાના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને અલ્ફેઝ માણેકિયા સહિતના શખ્સોએ તેમની સાથે તથા તેમના પતિ સાથે ઝઘડો કર્યો હતો.

ફરિયાદ મુજબ, અલ્ફેઝ માણેકિયાએ મહિલાના પતિને લાકડી વડે માથાના ભાગે માર માર્યો હતો. જ્યારે મેહુલ ઠાકોરે પટ્ટા વડે ફરિયાદી મહિલા તથા અન્ય એક વ્યક્તિને માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ત્રણેય શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

હુમલામાં ઇજાઓ થતાં દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. સારવાર બાદ શાહીનાબેને વાંકાનેર સિટી પોલીસ મથકમાં અલ્ફેઝ અલીમામદ માણેકિયા, મેહુલ ઠાકોર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.