Monday - Jul 06, 2026

માળીયાના ખીરઇ ગામે દારૂનો દરોડો પાડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો

માળીયાના ખીરઇ ગામે દારૂનો દરોડો પાડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો

માળીયા મિયાણા તાલુકાના જૂની ખીરઇ ગામે દારૂના ધંધાર્થીના ઘરે દરોડો પાડવા ગયેલા પોલીસ ઇન્સ્પેકટર સહિતની ટીમ ઉપર બુટલેગરના પરિવારની સાત મહિલાઓ સહિતના 10 આરોપીઓએ હીંચકારો હુમલો કરી ખુદ પીઆઇ ઉપર છરીના ઘા ઝીકવા પ્રયાસ કરી બાદમાં છુટા પથ્થરના ઘા મારી ગાડીમાં દસ હજારનું નુકશાન કરી એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ધોકો ફટકારી ફરજમાં રુકાવટ કરતા ચોંકાવનારા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા ચકચાર મચી ગઇ છે.

માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ ફતેસિંહ ધીરુભા પરમારે આરોપી ઇકબાલ ઇર્ફે ઇકો હાજીભાઇ મોવર, હાજીભાઇ ઓસામાણભાઇ, યુસુફ અલ્લારખા, સારબાઇ હાજીભાઇ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી, મુમતાજ અનવરભાઇ ભટ્ટી, આઇસા રફીકભાઇ મોવર, નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર અને તમન્ના યુસુફભાઇ સંધવાણી રહે. બધા જુની ખીરઈ ગામ વિરુદ્ધ દારૂની રેઇડ કરવા જતાં હુમલો કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.પોલીસે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે પોલીસ ટીમ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘેર રેઇડ કરવા ગયેલ તે વખતે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવર તથા તેના પીતા હાજીભાઇ ઓસામાણભાઇ તથા તેનો ભાણેજ યુસુફ અલ્લારખા તથા તેના પરીવારની સ્ત્રીઓમા સારબાઇ હાજીભાઇ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી, મુમતાજ અનવરભાઇ ભટ્ટી,આઇસા રફીકભાઇ મોવર, નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર તેમજ તમન્ના યુસુફભાઇ સંધવાણીએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસની કાર્યવાહીમાં અડચણ કરી બીભત્સ ગાળો બોલી છરી,લાકડાના ધોકા,પાઇપ જેવા જીવલેણ હથીયારો વડે પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસોને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ ફરીયાદી ફતેસિંહને માથાના ભાગે ધોકાનો ઘા મારી સાહેદ વનરાજસિંહ તથા પોલીસ ઇન્સપેક્ટરને મારી નાખવાના ઇરાદે છરીનો ઘા કરવાની કોશિષ કરી મનુષ્ય વધ કરવા કોશીષ કરી છુટા પથ્થરોના ઘા કરી વાહનના આગળ પાછળના કાચ તોડી આશરે રૂ.૧૦૦૦૦નુ નુકશાન કરી આરોપી યુસુફ સફેદ કલરની ફોરચ્યુનર ગાડી લઈ નાશી ગયો હતો. બનાવ અંગે માળીયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ ૧૦૯(૧),૧૨૫,૧૨૧(૧),૧૨૧(૨),૧૩૨,૩૫૨,૧૧૦,૧૮૯(૩), ૧૮૯(૪),૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩(૫)૩૨૪(૨) તથા જીપી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
જો કે, બીજી તરફ જૂની ખીરઇ ગામની આ ઘટનામાં મહિલાઓ સહિતના લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને માળીયા મિયાણા પોલીસે કારણ વગર માર મારી પરિવારના પુરુષોને ઢસડીને લઈ ગયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.