નવા ડેલા રોડ ઉપર વેપારીની દુકાનમાં ઘુસી ચાર શખ્સોએ ગુંડાગીરી આચરતા ફરિયાદ
મોરબી : મોરબીના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી અને પાડોશી વેપારી વચ્ચે અગાઉ વ્યાજવટાવ મામલે મારામારીની ફરિયાદ થતા સામાપક્ષે વેપારીએ ઉઘરાણી માટે કાલિકા પ્લોટના શખ્સને હવાલો આપ્યો હતો. જો કે, બન્ને વેપારી વચ્ચે સમાધાન થઈ ગયું હોય વેપારીએ પૈસા ન આપતા ઉશ્કેરાયેલા હવાલો લેનાર ચાર શખ્સોએ વેપારીની દુકાનમાં ઘુસી પાઇપ વડે હુમલો કરી હંગામો મચાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર વિશ્વકર્મા પાર્કમાં રહેતા અને નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઈ મોહનભાઇ કુધનાણી અને તેમના પાડોશમાં દુકાન ધરાવતા મહાવીર ટ્રેડિંગ વાળા ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ ઠક્કર સાથે આગાઉ વ્યાજ વટાવ બાબતે ફરિયાદ થયેલ હોય જેમાં ફરિયાદી પાસેથી પૈસા કઢાવવા ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈએ આરોપી ભોલો ઉર્ફે મોઇન કાદરભાઈ ઘાંચી રહે.વાવડી રોડ, તનવીર અબ્દુલભાઇ મતવા રહે.કાલિકા પ્લોટ, ફારૂક રફીકભાઈ શેખ રહે.કાલિકા પ્લોટ અને ઇજમામ સમસાદભાઈ પઠાણ રહે.ઘાંચી શેરી વાળાઓએ ગઈકાલે બપોરના સમયે મિથુનભાઈની દુકાને ધસી આવી રૂપિયા 12 લાખની ઉઘરાણી કરી ઢીકા પાટુનો માર તેમજ પાઈપના ઘા મારી ઇજાઓ પહોંચાડી દુકાનના કાચ તોડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
મિથુનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું
કે, બન્ને વેપારીઓ વચ્ચેના કેસમાં સમાધાન થયું હોય ચિરાગ ઉર્ફે જીગાભાઈ આરોપીઓને પૈસા ન આપતા હોવાથી ચારેય આરોપીઓએ દુકાને ધસી આવી ખૌફનો માહોલ ઉભો કરી સોડા બોટલના છૂટા ઘા કરી ભયનું વાતાવરણ સર્જ્યું હતું. આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.