મોરબી : મોરબીમાં શહીદ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજન પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખની આવક થયા બાદ આ આવકમાંથી રૂ.25 લાખની રકમ શહીદોના પરિવારને અહીં બોલાવીને સહાય રૂપે આપવામાં આવી હતી. બાકીની રકમ સેવા કાર્યોમાં વપરાશે.
મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રવાપર - ઘુનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સરહદે ભારત માતાના વીર સપૂતો એટલે શહીદ જવાનોના પરિવારો સ્વમાનભર્યું જીવન જીવી શકે તે માટે અર્થપૂર્ણ જીવન બનાવવા આર્થિક રીતે મદદરૂપ થવા માટે યોજાયેલા આ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખૈલૈયાઓએ પ્રાચીન અને અર્વાચીન થીમ ઉપર રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. આ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ફાઉન્ડર અજય લોરીયાએ જણાવ્યું હતું કે, ખૈલૈયાઓએ રાસ ગરબે રમી માતાજીની ભક્તિ કરવાની સાથે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના પરિવારની મદદરૂપ થઈને દેશભક્તિ દર્શાવી છે. તેમણે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલી આવકનો પારદર્શક હિસાબ દર્શાવ્યો હતો. જેમાં આ નવરાત્રી મહોત્સવ થકી રૂ. 29.51 લાખની આવક થઈ હોય તેમાંથી 25 શહીદ પરિવારોને જુદાજુદા નોરતે સ્વખર્ચે અહીં બોલાવી મહાનુભાવોના હસ્તે રૂ.1 -1 લાખની સહાય એટલે કે કુલ રૂ.25 લાખની સહાય આપવામાં આવી હતી. આ તકે ઉત્તરપ્રદેશના શહીદ જવાન અંશુમનના પિતાએ સાયરના અંદાજમાં જણાવ્યું હતું કે, શહીદો પ્રતિ આપકે દિલ મેં સન્માન ઓર ઈજ્જત હે, બાખુદા એસી ભાવના પુરે હિન્દુસ્તાન મેં નહિ દેખી.