મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન વારંવાર કેન્સલ કરાતી હોવાની વચ્ચે આજે તો મુસાફરો માટે વધુ એક ઉપાધી આવી પડી હતી. જેમાં આજે સવારની મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનની ટ્રીપ મોડી પડતા મુસાફરો ભારે હેરાન થયા હતા. જો કે આ ટ્રેન રાજકોટ ગઈ હોવાથી મોડી પડતી મુસાફરો રઝળી પડતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રોજ સવારે 6 વાગ્યે મોરબીથી વાંકાનેર જવા નીકળે છે. પણ આ ડેમુ ટ્રેન ઘણી મોડી પડી હતી. કારણ કે, રેલવે તંત્રએ કોઈપણ જાતની જાણ કર્યા વગર જ અચાનક જ આ ડેમુ ટ્રેનને રાજકોટ દોડાવી હતી. આથી રાજકોટથી ડેમુ ટ્રેનને પરત અવવામાં વિલંબ થયો હતો. આથી વહેલી સવારે મોરબીથી વાંકાનેર કામધંધે કે વાંકાનેર જકશનેથી બીજી ટ્રેનમાં જવા માંગતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી. સવારની ટ્રીપ મોડી પડતા અન્ય ટ્રીપોનો સમય ખોરવાય જતા મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમુ ટ્રેનને વારંવાર કેન્સલ કરી દેવામાં આવે છે. તેમજ ક્યારેક ડેમુ ટ્રેનમાં યાંત્રિક ખામીઓ સર્જાતા અધવચ્ચે જ થોભી જતા મુસાફરો પરેશાન થાય છે.