મોરબીમાં નાની વાવડી ગામ નજીક બોલેરો કાર ચાલકે દોઢ વર્ષના પુત્રને આટો મારવા નીકળેલા પિતાના બાઇકને હડફેટે લેતા બન્ને પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાતા તાકીદે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત દોઢ વર્ષના પુત્રનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.
મોરબીના વાવડી ગામેં રહેતા મિલનભાઈ બોરીચા તેમના દોઢ વર્ષના માસૂમ પુત્ર વિહાનને બાઇક બેસાડી ગતરાત્રે નિરાંતની પળોમાં બાઇક લઈને ચક્કર મારવા નીકળ્યા હતા. ત્યારે તેમને ક્યાં ખબર હતી કે, આ ચક્કર મારવાની આનંદની ક્ષણ અંત્યત આઘાતજનક બની જશે અને માસૂમ પુત્રને ગુમાવવાની નોબત આવશે. તેમના બાઇકને પુરપાટ ઝડપે આવતી બોલેરો રૂપી કાળનો ભેટો થઈ જતા એટલે બોલેરોએ બાઇકને ટક્કર મારતા બન્ને પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા તાકીદે બન્નેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન દોઢ વર્ષના પુત્ર વિહાનનું મોત નીપજ્યું હતું.રાજકોટ ખાતે મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.