મોરબીમાં ચોમાસુ શરૂ થતાં જ માર્ગોની કપરી હાલત થવા લાગી છે અને માર્ગોની પથારી ફરવાની સાથે તંત્રની આબરૂનું ધોવાણ થયું છે. મોટાભાગના શહેરના અને ખાસ કરીને કહેવાતા રાજમાર્ગો ઉબડ ખાબડ થઈ ગયા છે. શહેરના હાર્દ સમાં રવાપર અને શનાળા રોડને જોડતા લોહાણા સમાજની વાડી સામેના રોડ પર મસમોટા ગાબડા પડવાથી એટલી હદે ખતરનાક બની ગયા છે કે એક જગ્યાએ રોડ ઉપર આસપાસમાં અનેક ખાંડાઓ પડી જતા જરાક સ્પીડથી વાહન ચલાવો તો પણ આવી બને એમ છે.તેમાંય ગાંધીચોકથી સામાકાંઠાને જોડતા રસ્તા ઉપર અને ગાંધીચોકથી શનાળા તરફ જવાના માર્ગ ઉપર પેવર બ્લોકમાં પણ ખાડા પડી ગયા છે. આ પેવર બ્લોક ઉખડી જતા ખાડાઓ પડવાથી વાહન ચાલકો હાલક ડોલક થાય છે. જેમાં તંગ દોરડા ઉપર જીવના જોખમે ખેલ કરતા નટબજાણીયા જેવી જ વાહન ચાલકોની હાલત થઈ જાય છે. માર્ગો ઉપર ખાડાઓ શોધવા નીકળો તો એક નહિ પણ એક હજાર ખાડાઓ દેખાય પણ તંત્રની આંખે અંધાપો આવી ગયો હોય એમ નજર સામે રહેલા એટલે પાલિકા સામેના રોડ ઉપર પડેલા ખાડાઓ પણ દેખાતા નથી. આથી ખાડાઓને કારણે વાહન ચાલકોની સલામતી ભગવાન ભરોસે થઈ ગઈ છે. હજુ તો વરસાદ શરૂ થયો છે. આ સામાન્ય પડેલા વરસાદનું હજુ ટ્રેલર જ આવ્યું છે. પિક્ચર તો બાકી જ છે. એમ ધોધમાર વરસાદ પડશે ત્યારે માર્ગોની દશા કેવી થશે ? એ વિચારતા જ ગંભીર થઈ જવાય છે.