વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. હાલ નર્મદા લાઈનમાંથી ખૂબ જ ઓછું પાણી આવે છે. હસનપર ગામના પાણીના સંપમાંથી ત્રણ ચાર દિવસે આ ગામમાં પાણી આવતું હોવાથી પાણીની ભારે કટોકટી થાય છે. કારણ કે ત્રણ-ચાર દિવસે આવતું પાણી તમામ ગ્રામજનોને પુરૂ પડતું નથી. ઘણા લોકો પાણીથી વંચિત રહી જાય છે. તેથી આ ગામને નર્મદાની લાઈનમાંથી દરરોજ પુરતા પ્રમાણમાં પાણી આપવાની ગ્રામજનોની માંગ છે.
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામના સરપંચ ફૂલીબેન વીંજવાડિયાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું હોય અને આ ગામની વસ્તી 2500ની આસપાસ હોય આ વસ્તી ખેતી ઉપર નભતી હોવા છતાં ખેતી માટે સિંચાઈની જરાય વ્યવસ્થા ન હોવાથી ખેડુતોને વરસાદ ઉપર જ નભવું પડે છે. ખેતી તેમના માટે આજીવિકાનું સાધન હોય છતાં કેનાલમાંથી પાણી ન મળતા વર્ષમાં એકવાર ખેતી કરે છે. એ પણ સારો વરસાદ પડ્યો હોય તો જ. સારો વરસાદ ન પડે તો ખેડૂતોએ વાવેલું એળે જાય છે. કારણ કે દર વર્ષે ચોમાસામાં વરસાદ સારો થશે એ આશાએ વાવેતર કરે છે. પણ વરસાદ ખેંચાય તો પાક નિષ્ફળ જાય છે. ગામમાં સુવિધાઓની વાત કરીએ તો ગામમાં આરોગ્ય કેન્દ્ર છે 1થી8 ધોરણની સ્કૂલ, શિક્ષણ સારું હોય તેમજ ગામમાં 80 ટકા રસ્તા તૈયાર અને ભૂગર્ભ ગટર પણ 80 ટકા તૈયાર થઈ ગઈ છે. કચરાના નિકાલ માટે કોઈ વાહન ન મળતા ગ્રામ પંચાયત દ્વારા જાતે જ કચરાનો નિકાલ કરવામાં આવે છે. જ્યારે આ ગામને જોડતા બીજા ગામના ગાડા મારગ સમખેરવા, માણેકવાડા, વરડુંસર, સહિતના માર્ગો કાચા હોય એને પાકા કરવાની માંગ છે.