કુલ 168 ફીડરો બંધ થયા બાદ 96 ટિમો ફિલ્ડમાં ઉતરતા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ કરતા હાલ માત્ર 4 જ્યોતિગ્રામ ફીડરો જ બંધ
મોરબી : મોરબી જિલ્લામાં ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાના કારણે પીજીવીસીએલ (PGVCL)ને ભારે નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે કુલ 168 જેટલા ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને તે બંધ થઈ ગયા હતા. જો કે, વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતા આજે સવાર સુધીમાં મોટાભાગના ફીડરો ચાલુ કરી દેવાયા છે અને હવે માત્ર 4 જ્યોતિગ્રામ ફીડર જ બંધ હાલતમાં રહ્યા છે.
કાર્યપાલક ઈજનેર ડી.આર. ઘાડિયાના જણાવ્યા અનુસાર હાલમાં જે 4 જ્યોતિગ્રામ ફીડર બંધ છે, તેમાં વાંકાનેરના ૩ અને ટંકારાના બંગાવડીનો 1 ફીડર સામેલ છે. આ વિસ્તારોમાં વીજ થાંભલાઓ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા હાલ ત્યાં મરામતની કામગીરી ચાલી રહી છે, અને બપોરે 2 વાગ્યા સુધીમાં આ ચારેય ફીડરો પણ પૂર્વવત થઈ જવાની શક્યતા છે.
જિલ્લામાં થયેલી નુકસાનીના આંકડા વિશે વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, પવનના કારણે કુલ ૮૯ જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. આ ઉપરાંત ૩ ટ્રાન્સફોર્મર સેન્ટર (ટીસી) પણ ડેમેજ થયા છે, એક થાંભલા દીઠ અંદાજિત ૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ અને ટ્રાન્સફોર્મરના નુકસાનની ગણતરી કરીએ તો વીજતંત્રને અંદાજે ૫.૫ લાખથી ૬ લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
આ પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે પીજીવીસીએલની અલગ-અલગ સબ-ડિવિઝનની કુલ ૯૬ જેટલી ટીમો ફિલ્ડમાં મરામત માટે કાર્યરત છે.