Monday - May 04, 2026

હળવદના માથક ગામે ખેતરમાં આગની દુર્ઘટનામાં 3000 જેટલા દાડમના ઝાડ અને ડ્રીપની પાઇપ બળીને ખાખ

હળવદના માથક ગામે ખેતરમાં આગની દુર્ઘટનામાં 3000 જેટલા દાડમના ઝાડ અને ડ્રીપની પાઇપ બળીને ખાખ

વીજ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન કરતા વીજ વાયર તૂટી પડતા આગ ભભૂકી

હળવદ : હળવદ તાલુકામાં આવેલા માથક ગામે વીજ તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. માથક ગામની સીમમાં આવેલા દાડમના ખેતરમાં જીવંત વીજ વાયર તૂટી પડતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ખેતરમાં રહેલો લાખો રૂપિયાનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.
 
હળવદના માથક ગામે ખેતરમાં આગની દુર્ઘટનામાં 3000 જેટલા દાડમના ઝાડ અને ડ્રીપની પાઇપ બળીને ખાખ

માથક ગામના ખેડૂત જરીનાબેન વડગામાં અને મહીપાલ સિંહ જાડેજાના દાડમના ખેતરમાં આ આગની દુર્ઘટના સર્જાઈ હતી. ખેતરમાં વીજ વાયર પડતાં જ આગ લાગી ગઈ હતી, જેના કારણે ખેડૂતના આશરે 3000 જેટલા દાડમનાં ઝાડ બળી ગયા હતા. આ ઉપરાંત ખેતરમાં પાકને પાણી પાવવા માટે પાથરવામાં આવેલી ડ્રીપ ઇરીગેશનની પાઇપલાઇન પણ આગની ઝપેટમાં આવીને સંપૂર્ણપણે બળી ગઈ છે. વીજવાયર તૂટી પડવાની આ ઘટનામાં ખેડૂતોને આશરે 50 લાખથી પણ વધુની માતબર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આટલું મોટું નુકસાન થવા પાછળ વીજ તંત્રની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો અંગે અગાઉ વીજ તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હતી. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કે યોગ્ય પગલાં લેવામાં ન આવતા અંતે ખેડૂતોને તંત્રની લાપરવાહીનો ભોગ બનવું પડ્યું છે અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા આ નુક્સાનીનું વળતર ચુકવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

હળવદના માથક ગામે ખેતરમાં આગની દુર્ઘટનામાં 3000 જેટલા દાડમના ઝાડ અને ડ્રીપની પાઇપ બળીને ખાખ
હળવદના માથક ગામે ખેતરમાં આગની દુર્ઘટનામાં 3000 જેટલા દાડમના ઝાડ અને ડ્રીપની પાઇપ બળીને ખાખ