બોર્ડના વિદ્યાર્થીઓની "પરિશ્રમ એજ પારસમણી" જેવી તનતોડ મહેનતથી આખા ગુજરાતમાં 94.85% પરીણામ સાથે મોરબી જિલ્લો ટોચના સ્થાને રહ્યો, 27 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
મોરબી : આપણા ગુજરાતમાં બહુ જ પ્રચલિત કહેવત છે કે,"પરિશ્રમ એજ પારસમણી". એનો મતબલ એ છે કે સિદ્ધિ એને જ વરે જે પરસેવે ન્હાય. આ રીતે મોરબી જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓએ ધો.12 સાયન્સની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવવા કઠોર પરિશ્રમને અને ભારે સંઘર્ષને કારણે મોરબી જિલ્લાને સતત ચોથા વર્ષે ધો.12 સાયન્સના પરીણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવાની અદભુત સિદ્ધિ મળી છે. આજે ધો.12 સાયન્સના જાહેર થયેલા પરિણમમાં મોરબી જિલ્લાનું 94.85% જેટલું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે 4 મે 2026 ના રોજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 26/02/2026 થી 16/03/2026 દરમિયાન લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 84.33% જાહેર થયું છે. રાજ્યના આ પરિણામમાં મોરબી જિલ્લાએ ઝળહળતું પ્રદર્શન કરીને 94.85% ના ઊંચા પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મોરબી જિલ્લાના ધો.12 સાયન્સના પરિણામની આંકડાકીય માહિતી જોઈએ તો મોરબી જિલ્લામાં કુલ 1849 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1845 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર 1845 વિદ્યાર્થીઓમાંથી 1750 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર (E.Q.C.) એટલે કે ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અન્ય ગ્રેડની વાત કરીએ તો મોરબી જિલ્લામાં A2 માં 291, B1 માં 472, B2 માં 391, C1 માં 355, C2 માં 191 અને D ગ્રેડમાં 23 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં પરિણામ સુધારણા (Needs Improvement - N.I.) ની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 99 છે.
મોરબી જિલ્લાનું કેન્દ્ર વાઇઝ પરિણામ
હળવદ કેન્દ્ર (3501) નું પરિણામ જિલ્લામાં સૌથી વધુ 98.43% આવ્યું છે, જ્યાં પરીક્ષા આપનાર 508 માંથી 500 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાંકાનેર કેન્દ્ર (3503) નું પરિણામ 95.02% રહ્યું છે, જેમાં 301 માંથી 286 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. મોરબી કેન્દ્ર (3502) નું પરિણામ 93.05% આવ્યું છે, જેમાં 1036 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 964 ઉત્તીર્ણ થયા છે.