Monday - May 04, 2026

ગાયોના સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી

ગાયોના સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી

મોરબીમાં હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ,ગૌરક્ષા માટે સહી ઝુંબેશ અભિયાન શરૂ

7મીએ મોટી સંખ્યામાં લોકો ધૂન અને ભજન ગાતા-ગાતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચશે

મોરબી : ગૌરક્ષા માટે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા સમગ્ર ભારત દેશમાં અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાન વેગવંતુ બન્યું છે. આગામી 7 તારીખે તમામ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપવાનું હોવાથી મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે ગૌરક્ષા માટે ખાસ હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં હરિદ્વારના ભાગીરથી આશ્રમના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌરક્ષા અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ગાયોના સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી

તેમણે જણાવ્યું હતું કે જો આજે આપણે નહીં જાગીએ તો ગાયો વધુને વધુ કતલખાને જશે, જેથી ગાયોના સંરક્ષણ માટે આ અભિયાન ખૂબ જ જરૂરી છે. આ અભિયાન કોઈ અન્ય બેનર હેઠળ નહીં, પરંતુ માત્ર ગૌ સંવર્ધન અભિયાન હેઠળ જ ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને વધુમાં વધુ સહી ઝુંબેશમાં જોડાવા અપીલ કરવામાં આવી છે અને આ એકત્રિત કરેલી સહીઓ પ્રાંત અધિકારીને આપવામાં આવશે. જો 3 મહિના પછી આ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો, આનાથી પણ વધુ સહીઓ સાથે કલેક્ટર, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે.
 

ગાયોના સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી

સંતોએ એવી ચેતવણી પણ આપી છે કે જો ગાય નહીં બચે તો આગામી સમયમાં આપણું જીવન પણ નહીં બચે. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ, વિવિધ ગૌશાળાના આગેવાનો, મોરબીમાં ગાયો બચાવવાનું કાર્ય કરતા શિવસેના સહિતના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોરબીના તમામ વિસ્તારોમાં 2 દિવસ સુધી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે, જેમાં લોકોને ગાયોને બચાવવા માટે પોતાનો મત આપીને સહી કરવા અપીલ કરવામાં આવી છે.
 

ગાયોના સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી

ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાઈ અને ગૌ મંત્રાલય બનાવવામાં આવે

ગૌ વંશ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે તે માટે સનાતનીઓ દ્વારા 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંગે વાત કરતા સ્વામી અચ્યુતાનંદજીએ જણાવ્યું હતું કે, સરકાર પાસે અમારી માંગ છે કે દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થવી જોઈએ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય આરાધ્યા તેમજ રાષ્ટ્ર ધરોહરનો દરજ્જો મળવો જોઈએ. આ સાથે જ સરકાર દ્વારા અલગથી ગૌ મંત્રાલય બનાવવામાં આવે અને ગાયોના નિભાવ માટે સ્પષ્ટ ચારા નીતિ ઘડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગૌચરની જમીનનો ઉપયોગ માત્ર ગૌ માતા માટે જ થવો જોઈએ. આપણી સુરક્ષા માટે ગૌ માતાની રક્ષા અનિવાર્ય છે, તેથી દરેક નાગરિક આ અભિયાનમાં ભાગીદાર બને તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.

ગાયોના સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી

ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે તમામને જોડાવાની હાકલ

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ લોકોને આ અભિયાનમાં મોટા પ્રમાણમાં જોડાવા હાકલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે તે માટે સઘન પ્રયાસો કરવા જોઈએ. દેશમાં કોઈપણ જગ્યાએ ગાયની કતલ ન થાય તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે. ગાય આપણી માતા છે અને તે સનાતન સંસ્કૃતિની જનેતા છે. ગૌમાતાના રક્ષણ માટે અને તેમના પાલન-પોષણની જવાબદારી નિભાવવા માટે સૌ નાગરિકોએ એક થઈને સંકલ્પ કરવો જોઈએ તેવી અપીલ તેઓએ કરી હતી.

ધૂન અને ભજન ગાઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાશે

સમગ્ર ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌપાલક બોર્ડ બનાવવા માટે ચાલી રહેલી મુહિમ અંતર્ગત મોરબી તાલુકામાં પણ એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા દિનેશભાઇ વડસોલાએ મોરબી જિલ્લાના તમામ તાલુકાના નગરજનોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ આ સહી ઝુંબેશમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય. આગામી 7 તારીખે સવારે 10 વાગ્યે ધૂન અને ભજન ગાતા-ગાતા પ્રાંત અધિકારીને આ આવેદનપત્ર પાઠવવામાં આવશે. સરકાર સમક્ષ પોતાનો મત રજૂ કરવા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના આ પવિત્ર કાર્યમાં સહકાર આપવા માટે સર્વે લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.