Friday - Aug 07, 2026

વાંકાનેરના સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે એકસાથે 150 જેટલી દુકાનો સીલ કરાઈ

વાંકાનેરના સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે એકસાથે 150 જેટલી દુકાનો સીલ કરાઈ

ફાયર સેફ્ટીના અભાવે કડક કાર્યવાહી થતા વેપારી આલમમાં ફફડાટ

મોરબી  : વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં અચાનક ફાયર સેફ્ટીની ટીમ ત્રાટકી હતી. કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે તંત્ર દ્વારા 150 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

5 ઓગસ્ટે અચાનક ફાયર સેફ્ટી વિભાગની ટીમ દ્વારા 150 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દુકાનદારો અને વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ફાયર સેફ્ટી વિભાગ દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના જ સીધી જ સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે રોષે ભરાયેલા વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા આ કોમ્પ્લેક્ષના બિલ્ડરને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હોય, તો બિલ્ડર દ્વારા પણ વેપારીઓને આ અંગે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. હાલ અચાનક દુકાનો સીલ થઈ જવાથી 150 જેટલા વેપારીઓના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે અને આ સમગ્ર કાર્યવાહીને પગલે વેપારીઓમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે.