મોરબી : મોરબી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં સરકાર દ્વારા કુલ 46 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી 44 શિક્ષકો સમયસર હાજર થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ તમામ શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની મુખ્ય ઝલક
નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ. મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે તેઓ પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને નોકરીના પ્રથમ દિવસથી લઈને નિવૃત્તિના દિવસ સુધી સતત શીખતા રહે અને વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે શાળાઓને "નંદનવન" બનાવે.
શિક્ષણ નિરીક્ષક પ્રવીણભાઈ અંબારીયાએ મોરબી જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષથી વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી અને SSC ના પરિણામમાં પણ મોરબી જિલ્લાને નંબર-1 બનાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોરબીના પ્રાચાર્ય વિજયભાઈ સુરેલીયા અને વર્ગ-2 અધિકારી નિલેશભાઈ રાણીપા તથા ભરતભાઈ વીડજા આ મહાનુભાવોએ પણ નવનિયુક્ત શિક્ષકોને તેમની કારકિર્દીના આ મહત્વના દિવસે પ્રેરક અમૃતવચનો આપ્યા હતા.