આસામીઓ અનકધિકૃત બાંધકામને રેગ્યુલાઈઝ કરવા પૂરતા ડોક્યુમેન્ટ ન આપતા મનપા આકરાપાણીએ, નિયત સમયમાં પુરતા ડોક્યુમેન્ટ નહિ આપે તો થશે કાર્યવાહી
મોરબી : મોરબી મનપાએ અગાઉ નગરપાલિકા વખતની તમામ "રામલીલા" નો અંત લાવી બધા જ નીતિ નિયમો ઘડી નવેસરથી લાગુ કર્યા છે. ખાસ કરીને શહેર આખું સિમેન્ટ ક્રોકેટનું જંગલ હોય એટલે બાંધકામમાં જવાબદારોએ નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કર્યો હોય અને ઘણા બાંધકામો અનઅધિકૃત એટલે ગેરકાયદે હોવાથી સરકારના આદેશ મુજબ આવા બાંધકામોને ઇમપેક ફી સાથે રેગ્યુલાઈઝ કરવા માટે પૂરતા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવા મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ તાકીદ કરી હતી. પરંતુ ઘણા આસામીઓ અરજીમાં પૂરતા દસ્તાવેજ રજૂ ન કરતા મનપા લાલઘૂમ થયું છે અને મનપાએ આવા આસામીઓને વધુ એક તક આપી નિયત સમયમાં પૂરતા દસ્તાવેજ રજૂ ન કરે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ બાંધકામના નિયમો માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો હતો કે જેમના દ્વારા GRUDA ઇમ્પેક્ટ ફી અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી અરજી કરી હોય તેમાં ૧૯૭ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની અરજીમાં પૂરતા દસ્તાવેજો રજૂ કર્યા ન હોય તેવા કિસ્સાઓમાં અગાઉ જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પત્ર પાઠવ્યો છે. જે અરજદારોએ જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કર્યા ન હોય તેવા અરજદારોને પુન: પત્ર પાઠવીને બીજી તક આપવામાં આવી છે. જેથી કરીને અરજદારો પાસેથી માંગવામાં આવેલા બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને પૂરતા કાગળો મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવી દેવામાં આવશે પછી જે તે બાંધકામને રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત, મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મકાનો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા તમામ હોટેલ. મલ્ટીપ્લેક્ષ, થિયેટરમાં નોટિસ આપવામાં આવી છે. તેવા પ્રકારના બાંધકામના સંચાલકોએ જરૂરી વિકાસ પરવાનગી તથા અન્ય જરૂરી મંજૂરીના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં સંબધિત વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને શહેરના આયોજનબદ્ધ વિકાસ, કાયદેસર બાંધકામ તથા નાગરિકોની સુરક્ષા માટે મહાપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ જણાવ્યું છે.