Monday - Oct 26, 2026

મોરબીમાં બે અલગ બનાવોમાં અજાણ્યા યુવાન અને આધેડનાં મોત

મોરબીમાં બે અલગ બનાવોમાં અજાણ્યા યુવાન અને આધેડનાં મોત

મોરબી : મોરબી પંથકમાં બનેલા બે અલગ બનાવોમાં એક અજાણ્યા યુવાનનું તળાવમાં ડૂબી જવાથી, જ્યારે અન્ય એક આધેડનું આંચકી આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બંને મૃતકોની ઓળખ થઈ ન હોવાથી પોલીસે તેમના વાલીવારસની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

મોરબી-વાંકાનેર હાઇવે પર નવા જાંબુડીયા ગામે પાવર હાઉસની બાજુમાં આવેલા તળાવમાં આશરે 30થી 35 વર્ષનો અજાણ્યો યુવાન ડૂબી ગયો હતો. આ ઘટનામાં યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ મુન્નાભાઈ ઉભડિયા મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

બીજા બનાવમાં, મોરબીના પરાબજાર નજીક આવેલા ત્રિકોણબાગના પાર્કિંગ વિસ્તારમાં આશરે 50 વર્ષના અજાણ્યા આધેડને આંચકી આવતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક આધેડ કોણ છે અને તેમના પરિવારજનો ક્યાં રહે છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.