Monday - Oct 26, 2026

મોરબીમાં બે ગેરેજ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં રૂ.3.49 કરોડનું ટ્રાન્ઝેક્શન

મોરબીમાં બે ગેરેજ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં રૂ.3.49 કરોડનું ટ્રાન્ઝેક્શન

સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવા કમિશન એજન્ટ બન્યાનો આક્ષેપ, બે આરોપીની ધરપકડ; ત્રીજાની શોધખોળ

મોરબી : મોરબીમાં ગેરેજમાં મજૂરી કામ કરતા બે શખસોના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડથી મેળવેલી રકમની હેરફેર માટે કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. એક બેન્ક એકાઉન્ટમાં 94 દિવસના સમયગાળામાં રૂ.3,49,61,073નું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ રકમ યુપીઆઈ, આરટીજીએસ અને આઈએમપીએસ મારફતે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ મામલે રાજસ્થાન અને ગુજરાતમાં બે ફરિયાદ નોંધાયેલી હોવાનું સામે આવતાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વઘોરા ભાવેશભાઈ હરેશભાઈ રહે. સનરાઇઝ પાર્ક, વિજયનગર રોડ, મોરબી; ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા રહે. રોહિદાસપરા, મોરબી; તથા નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા રહે. મોરબી અને તપાસમાં ખૂલે તેવા શખસો સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, નિલેશભાઈ કાસુન્દ્રાએ પોતાના મળતીયાઓ સાથે મળીને રાજ્યના અલગ-અલગ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે ભાવેશભાઈ વઘોરા અને જીતેન્દ્રભાઈ ચાવડાને કમિશન એજન્ટ બનાવ્યા હોવાનો આક્ષેપ છે. આ બંનેને કમિશન પેટે રૂ.15,000 આપવામાં આવ્યા હતા. બેન્ક એકાઉન્ટ નંબર 40714700000550માં તા.23 ફેબ્રુઆરી, 2026થી તા.2 જૂન, 2026 સુધીના 94 દિવસ દરમિયાન કુલ રૂ.3,49,61,073ની રકમ જમા થઈ હતી. ત્યારબાદ આ નાણાં યુપીઆઈ, આરટીજીએસ અને આઈએમપીએસ મારફતે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ સાયબર ફ્રોડના મામલે સમન્વય તથા એનસીસીઆરપી પોર્ટલ પર રાજસ્થાન અને ગુજરાત રાજ્યની બે ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ ફરિયાદો સાથે સંકળાયેલા વ્યવહારોમાં છેલ્લે રૂ.74,000નું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ સામે આવ્યું હતું. જેના આધારે ત્રણેય શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસ દરમિયાન પીએસઆઈ વાય.પી. વ્યાસ અને તેમની ટીમે વઘોરા ભાવેશ ઉર્ફે કાનો હરેશભાઈ રહે. સનરાજ પાર્ક, વિજયનગર રોડ, મોરબી તથા ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા રહે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની બાજુમાં, રોહિદાસપરા શેરી નંબર-1, મોરબીની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજા આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલમાં પકડાયેલા બંને આરોપીઓ ગેરેજમાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમના બેન્ક એકાઉન્ટ ભાડે આપવામાં આવ્યા હતા કે અન્ય રીતે તેનો ઉપયોગ કરાયો હતો તે સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. બેન્ક એકાઉન્ટમાં માત્ર 94 દિવસમાં રૂ.3.49 કરોડથી વધુની રકમની હેરફેર સામે આવતાં સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર નાણાકીય વ્યવહારોની વધુ તપાસ હાથ ધરી છે.