જૂની પેન્શન યોજના, શિક્ષકોની બઢતી, શિષ્યવૃત્તિની જટિલ પ્રક્રિયા અને ગ્રાન્ટના બિલો ઓનલાઈન મંજૂર કરવા સહિતના મુદ્દાઓ ઉઠાવાયા
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વડતાલ ખાતે યોજાયેલી રાજ્ય કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો રજૂ કરી તેના ઉકેલ માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. શાળા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તથા શૈક્ષણિક કામગીરીમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય તે હેતુથી આ રજૂઆતો કરવામાં આવી હતી.
રાજ્ય કારોબારીમાં વર્ષ 2005 પછી ફરજ પર જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા, એચટીએટી મુખ્ય શિક્ષકની જગ્યાઓ પર સિનિયર શિક્ષકોને બઢતીથી નિમણૂક આપવાની પ્રક્રિયા સ્વૈચ્છિક બનાવવા, ધોરણ 6થી 8માં ફરજ બજાવતા શિક્ષકોને નિમ્ન પ્રાથમિક વિભાગમાં પરત જવાની તક આપવા, ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકોને અલગથી રૂ. 4,200નો ગ્રેડ પે આપવા, એચટીએટી સિવાયની શાળાઓમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકોને મહેકમમાં ન ગણવા જેવા પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત શાળાઓને મળતી ગ્રાન્ટના ઉપયોગ માટેની એસએમએ સ્પર્શની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા અને બિલો ઓનલાઈન જ મંજૂર કરવા, હાલ બિલ તૈયાર કરવા માટે મેકર અને ચેકર આઈડી, બેંકની વિગતો, મંજૂરીની પ્રક્રિયા, અનેક દસ્તાવેજોની નકલો તથા વિવિધ કચેરીઓમાં સહીઓ કરાવવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાનો મુદ્દો રજૂ કરાયો, માત્ર રૂ. 500ના ખર્ચના બિલ માટે પણ અનેક પાનાંની નકલો તૈયાર કરવાની, જિલ્લા પ્રોજેક્ટ કચેરી સુધી જવાની સ્થિતિ ઊભી થતી હોવાનું, જૂન મહિનામાં કરાયેલા ખર્ચનાં નાણાં પણ કેટલાક કિસ્સામાં સંબંધિત પક્ષકારોને મળ્યાં ન હોવાની અને આચાર્યોને પડતી મુશ્કેલીઓ દૂર કરી બિલોની મંજૂરીની વ્યવસ્થા સરળ અને ઓનલાઈન બનાવવા તેમજ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત માટે આધારકાર્ડ ફરજિયાત હોવા, આધારકાર્ડ અપડેટ ન હોય તો દરખાસ્ત તૈયાર કરવામાં પડતી મુશ્કેલી તેમજ મોબાઈલ નંબર અને ઈ-મેઇલ આઈડી સંબંધિત મર્યાદાઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.