Monday - Oct 26, 2026

મોરબીમાં બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળ્યા, ઓળખ મેળવવા પોલીસની કવાયત

મોરબીમાં બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળ્યા, ઓળખ મેળવવા પોલીસની કવાયત

પોસ્ટ ઓફિસ સામે પાર્કિંગમાં આધેડનું સારવાર દરમિયાન મોત, નવલખી રોડ પરથી આશરે 40 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીમાં અલગ-અલગ બે બનાવોમાં બે અજાણ્યા પુરુષોના મોત નીપજ્યા છે. શહેરની પોસ્ટ ઓફિસ સામેના પાર્કિંગમાં આંચકી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું, જ્યારે નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક તરફ જવાના રસ્તેથી આશરે 40 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને મૃતકોની ઓળખ હજુ સુધી થઈ ન હોવાથી તેમના વાલીવારસની શોધખોળ માટે મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી પોસ્ટ ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં ગત તા. 23 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રિના સમયે એક અજાણ્યા પુરુષને આંચકી આવી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાત્રે 10:55 વાગ્યે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તા. 24 ઓક્ટોબરના રોજ તેમનું મોત નીપજ્યું હતું.

મૃતક શ્યામ વર્ણના છે અને તેમના વાળ સફેદ તથા કાળા રંગના મિશ્રિત છે. તેઓ દાઢી-મૂછ ધરાવે છે અને પ્રિન્ટેડ શર્ટ તથા બ્લુ પેન્ટ પહેરેલા હતા. આ અજાણ્યા આધેડની ઓળખ મેળવવા અને તેમના પરિવારજનો સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક તરફ જવાના રસ્તેથી આશરે 40 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની યાદી મુજબ, ગત તા. 21 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 11 વાગ્યે બીમારીના કારણે તેનું મોત થયું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.

મૃતકના શરીર પર ગ્રે કલરનું જીન્સનું પેન્ટ હતું. મૃતકની ઓળખ થઈ શકે અને તેમના પરિવારજનોનો સંપર્ક થઈ શકે તે માટે મૃતદેહને રાજકોટની સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ બનાવમાં પણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંને મૃતકોની ઓળખ મેળવી તેમના વાલીવારસ સુધી માહિતી પહોંચાડવા માટે પોલીસે નાગરિકોને જરૂરી વિગતો આપવા અપીલ કરી છે.