રૂ.1.30 કરોડના ખર્ચે પાર્કમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, રમણીય વાતાવરણ સાથે ઇન્ફ્રાસ્ટ્રકચરનું માળખું ઉભું કરાશે
મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા નાની વાવડી વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે ઇકો ફ્રેન્ડલી પાર્કનું વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંદાજિત રૂ.1.30 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે. શહેરના હરિત વિકાસ અને નાગરિકોને ઉત્તમ જાહેર સુવિધાઓ પ્રદાન કરવા હેતુસર આ કામગીરી અમલમાં મૂકવામાં આવી છે. આ પાર્કમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓથી સજ્જ રમણીય વાતાવરણ ધરાવતું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું માળખું ઉભું કરાશે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા નાની વાવડી પ્રોજેક્ટ અંતર્ગત વ્યાપક લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશન હાથ ધરવામાં આવનાર છે. આહી વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.જેમાં નીમ, ગુલમોહર, ચંપા અને સપ્તપર્ણી જેવા ઘટાદાર છાંયડો આપતા આશરે 2100 વૃક્ષોનું વાવેતર કરીને લીલુંછમ હરિયાળું વાતાવરણ ઉભું કરાશે. ઉપરાંત હિબિસ્કસ, જાસુદ, ઇક્સોરા અને ડ્રાસીના જેવા ઝાડીઓ 2 થી 3 છોડ પ્રતિ ચોરસ મીટર ઘનતાથી રોપવામાં આવશે. ગ્રાઉન્ડ કવર તરીકે રોયો અને સિટ્રોનેલા મચ્છર નિયંત્રણ માટે વાવવામાં આવશે, જેથી પર્યાવરણને પણ સ્વચ્છ સુદ્રઢ અને રાખી શકાય. પાર્કમાં નગરજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત રેડ સૅન્ડ, પેવર આધારિત વૉકિંગ અને જોગિંગ ટ્રૅકનું નિર્માણ, બેઠક વ્યવસ્થા સાથે પર્ગોલા, રેઇનવોટર હાર્વેસ્ટિંગ પિટ્સ, બોરવેલ, વોટર ટૅન્ક સાથે ડ્રિપ સિંચાઈ પ્રણાલી તેમજ સોલાર પાવર આધારિત સ્ટ્રીટલાઇટ્સની સુવિધા ઉભી કરવામાં આવનાર છે.