કોઈએ મોબાઈલ સહિતની વસ્તુઓનું પોટલું બહારથી જેલની અંદર ફેંક્યું, જેલ સ્ટાફના ધ્યાને આવતા ફરિયાદ
મોરબી : મોરબીની સબજેલમાં વારંવાર મોબાઈલ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ગંભીર ઘટના વચ્ચે આજે સબજેલમાં મોબાઈલ, બીડી, તમાકુ સહિતની વસ્તુઓ ઘુસાડવાના પ્રયાસને જેલતંત્રએ નિષ્ફળ બનાવ્યો છે. જેમાં કોઈએ જેલની બહારથી મોબાઈલ સહિતની વસ્તુઓનું પોટલું જેલની અંદર ફેંક્યું હતું. પરંતુ જેલ સ્ટાફના રૂટિન ચેકિંગ વખતે આ પોટલું મળી આવ્યું હતું. આથી આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીની સબ જેલમાં આજે સવારે સમયે સિપાઈ દિનેશભાઈ આર. મીઠાપરા દ્વારા રૂટિન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન યાર્ડ નંબર 1 ના જનરલ ટોયલેટ પાછળની સાઈડમાં કોટપાળીના ખૂણા પાસે 1 નંબરની બેરેક નજીક એક કાળા કલરનું પ્લાસ્ટિકનું ઝબલું મળી અબ્યુ હતું. આ પ્લાસ્ટિકના ઝબલામાં જેલ પ્રતિબંધિત ચીજવસ્તુઓ હોવાનું લાગતા જેલમાં હાજર રહેલા ઇન્ચાર્જ જેલર અને અધિક્ષકને તાબડતોબ બોલાવીને તેમની હાજરીમાં આ પ્લાસ્ટિકનું ઝબલુ ચેક કરીને ખોલવામાં આવ્યું હતું અને પોટલામાંથી 4 નંગ તમાકુવાળા મસાલા, 1 બીડીની જૂડી અને 1 ચૂનાની ટોટી ઉપરાંત પ્લાસ્ટિકની થેલીમાં સેલોટેપથી વીંટાળેલા અને અંદર રૂમાં રાખીને સુરક્ષિત રીતે પેક કરીને રખાયેલા કીપેડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. બેટરી સાથેનો ફોન સિમ કાર્ડ વગરનો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, મોરબી સબ જેલમાં પોણા મહિના પહેલા પણ અમદાવાદથી આવેલી જડતી સ્ક્વોર્ડની તપાસમાં બેરેક નં. 4 અને 6 વચ્ચેના બાથરૂમમાંથી બે કીપેડ વાળા મોબાઈલ મળી આવ્યા હતા. જે અંગેની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે. આ અગાઉના મોબાઈલ કોના હતા અને કોની સાથે વાત થતી હતી તે અંગેની વિગતો હજુ સામે આવી નથી, ત્યાં જ વધુ એક વખત જેલમાં મહિલા પોલીસ સ્ટેશન વાળા રોડ પરથી મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ થતા જેલ પ્રશાસન વધુ એલર્ટ બન્યું છે.