મોરબી : મોરબીમાં લાંબા સમયથી રખડતા ઢોરના અસહ્ય ત્રાસ વચ્ચે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રકટ બેઇઝ પર ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ પણ ઢોરનો ત્રાસ ઓછો થયો નથી. એટલે ઠેરઠેર આખલા યુદ્ધ અને રખડતા ઢોરને નામે ખુટિયાઓને બદલે માત્ર ગાયો જ પકડતા હોવાના આક્ષેપ વચ્ચે મોરબી મહાપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા છેલ્લા 9 માહિનામાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2030 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે અને હજુ પણ ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવાનું મનપાએ સતાવાર યાદીમાં જણાવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાના એ.એન.સી.ડી. શાખા દ્વારા નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મીટીંગમાં નાયબ પશુપાલન નિયામક, વેટેનરી ઓફિસર, એ.એન.સી.ડી. શાખાના શાખા અધ્યક્ષ તેમજ મોરબી તાલુકાના 17 ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. તેમાં અંદાજીત 250 ૨૫૦ પશુને રાખવા માટેની ખાતરી આપી હતી. મોરબીમાં માર્ચ 2025થી ડીસેમ્બર 2025 સુધીમાં મહાપાલિકાની ઢોર પકડ પાર્ટીએ અંદાજીત 2030 પશુ પકડ્યા છે.તેમજ 1254 પશુઓનું RFID તથા ટેગિંગ કરેલ છે. અને પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટ ડોગ માલિકોને પોતાના રજીસ્ટ્રેશન કરવા માટેની તાકીદ કરી છે. આ ઉપરાંત ટેગ અને RFID લગાવીને મોરબી જીલ્લાની વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળમાં પશુ મોકલ્યા છે. અને હાલમાં પણ પશુ પકડવાની કામગીરી ચાલુ છે.