Tuesday - Apr 21, 2026

સુવિધાઓની દ્રષ્ટિએ શહેર કરતા પણ અમરનગર ગામ ચડિયાતું

સુવિધાઓની દ્રષ્ટિએ શહેર કરતા પણ અમરનગર ગામ ચડિયાતું

મોરબી જિલ્લાના અનેક અંતરિયાળ ગામોનો હજુ સુધી સરકારનો વિકાસ પહોંચ્યો જ ન હોવાથી ઘણા બધા ગામો હજુ મૂળભૂત સુવિધાઓ માટે ઝઝૂમતા હોવાની વચ્ચે 2000 પહેલા રચાયેલા મોરબીના અમરનગર ગામમાં બધા જ પ્રકારની સુવિધાઓ હોવાથી ગામલોકોને કાયમ લીલાલહેર હોવાના એક ગામની સમૃદ્ધિના ઉજળા સંજોગો સામે આવ્યા છે. આશરે 1 હજારની વસ્તી ધરાવતા ગામને એકપણ વાતનું દુઃખ નથી. એકંદરે બધી જ સુવિધાઓ હોવાથી અમરનગર ગામ સુવિધાઓની દ્રષ્ટિએ અન્ય ગામ તો ઠીક પણ ખુદ મોરબી શહેર કરતા પણ ચડિયાતું છે.

મોરબીના અમરનગર ગામના લોકોએ જણાવ્યું હતું કે, આશરે 2000ની સાલ પહેલા બનેલું આ ગામમાં આશરે 1 હજારની વસ્તી હોય અને આ ગામ શરૂઆતથી જ હોય અને આ ગામમાંથી રોટરી નગર, દાદાશ્રીનગર એમ બે ગામ અલગ પડ્યા અને મોટાભાગના લોકો ખેતી પર જ આધારિત અને ગામામાં 80 ટકા શિક્ષિત વર્ગ છે. આ ગામમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત ખેતી માટે કેનાલમાંથી સમયાંતરે પાણી મળતું હોવાથી ત્રણે ત્રણ સિઝનનો પાક લઈ શકતા હોય તમામ ખેડૂતો હરિભરી ખેતીથી સુખી છે. ગામમાં પ્રાયમરી સ્કૂલ, આંગણવાડી, દવાખાનું, ભૂગર્ભ ગટર, લાઈટો, ગામની શેરીમાં સીસીરોડ તેમજ અમુક બાકી માર્ગોના કામ હાલ ચાલુ છે. જો કે મોરબી આસપાસ અનેક ગામોની આસપાસ ઉદ્યોગો હોવાથી પ્રદુષણનો પ્રશ્ન હોય પણ આ ગામ પ્રદુષણથી મુક્ત છે. ગામની શુદ્ધ હવા અને વાતાવરણને કોઈ અસર પહોંચી નથી. એટલે આ ગામમાં હાલ લોકો કે ખેડૂતોને એકપણ પ્રશ્ન પજવતો નથી. સુવિધાની દ્રષ્ટિએ અન્ય ગામ તો ઠીક ખુદ મોરબી કરતા પણ સમૃદ્ધ છે એવું ગ્રામજનોએ જણાવ્યું હતું.