Friday - Mar 21, 2025

3 હજારની વસ્તી ખેતી પર જ નભતી હોવા છતાં પિયતના નેઠા જ નથી

3 હજારની વસ્તી ખેતી પર જ નભતી હોવા છતાં પિયતના નેઠા જ નથી

વાંકાનેર તાલુકામાં વધુ એક ગામ સિંચાઈનું સુવિધા વિહોણું હોવાનું સામે આવ્યું છે. જેમાં વાંકાનેરના ઠીકરીયાળા ગામે 3 હજારની વસ્તી ખેતી પર જ નભતી હોવા છતાં પિયતના નેઠા જ ન હોય એમ કેનાલ આખે આખી તૂટી જવાથી ખેતી અને ખેડૂતો ભગવાન ભરોસે થઈ ગયા છે. ખેતી માટે સિંચાઈની સુવિધા ન હોય અને ઉપરથી ખેતી ખેડૂતોની આજીવિકા હોવા છતાં સંબધિત તંત્રને કેનાલ રિપેરીગ માટે હજુ સુધી મુહૂર્ત જ ન મળતા ખેડૂતો એક એક અન્નના દાણા માટે મોહતાજ બની ગયા છે.તેથી તંત્ર જલ્દીથી કેનાલનું રિપેરીગ કરી ખેડૂતો પાક મેળવી શકે એ માટે પિયતનો પ્રબંધ કરાવવાની ગ્રામજનોની માંગ છે.

વાંકાનેરના ઠીકરીયાળા ગામના સરપંચ ગૌરીબેન માંડણીએ જણાવ્યું હતું કે,તેમનું ગામ રાજાશાહી વખતનું અને ગામની 3 હજારની વસ્તી હોય અને વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં ગામની ખેતી વરસાદ આધારિત છે. જો કે વરસાદ યોગ્ય રીતે પડે તો ખેડૂતોને રાજીપો અને જ્યારે વરસાદ ન થાય ત્યારે ખેડૂતોના ચહેરા ઉપર ઉદાસી છવાઈ જાય છે. ડેમનું રિપેરીગ કામ ચાલુ હોય પણ એની સાથે કેનાલનું  રિપેરીગ ન કરી અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેની સાથે મહત્વની એવી આરોગ્ય સુવિધાઓ ન હોવાથી ગ્રામજનો જ્યારે બીમારીમાં પીડાય ત્યારે સાજા થવા માટે 9 કિમિ દૂર જવાની નોબત આવે છે.જો કે આ 9 કિમિ દૂર આરોગ્ય કેન્દ્રમાંથી દર અઠવાડિયે એકવાર એક ડોકટર આ ગામે આવે છે. ગ્રામજનો તેમની પાસે નિદાન કરાવે છે.

ગામની અંદર માત્ર20 ટકા રોડ રસ્તા સારા

ગામની અંદર માત્ર 20 ટકા જ રોડ રસ્તા સારા છે. એટલે મોટાભાગના ગામની અંદરના રસ્તા બહુ જ ખરાબ છે. તેથી હાલ ચોમાસામાં વરસાદથી આ ખરાબ માર્ગથી હાલાકી ભોગવવી પડે છે. 80 ટકા ભૂગર્ભ ગટર કંપ્લેટ, કચરા નિકાલ માટે સરકારે ઇલેક્ટ્રિક રીક્ષા ફાળવી છે. જ્યારે આ ગામને બીજા ગામો સાથે જોડતા ગાડા મારગ કાચા હોય, નવુગામ, બામણબોર, ઝિંઝુડા, મોરડી,તમામ માર્ગો પાકા કરવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે.