Friday - May 08, 2026

મોરબીમાં વિધવા, નિરાધારો, દિવ્યાંગોને 15 દી"માં પેન્શન નહીં મળે તો આંદોલન

મોરબીમાં વિધવા, નિરાધારો, દિવ્યાંગોને 15 દી

સરકારી બાબુઓના સમયસર પગાર થઈ જાય તો આવા જરૂરિયાતમંદો કેમ નજીવા પગારથી વંચિત ?

મોરબી : મોરબી જિલ્લામાં વિધવા તથા નિરાધારો, દિવ્યાંગો લાભાર્થીઓને લાંબા સમયથી પેન્શનની વંચિત છે. એક તો આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને નજીવી રકમનું પેન્શન અપાતું હોય આવી પરિસ્થિતિ વચ્ચે એ નજીવી રકમનું પેન્શન પણ લાંબા સમયથી ન મળતા વિધવા તથા નિરાધારો, દિવ્યાંગો લાભાર્થીઓ કાળઝાળ મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે આર્થિક ભીંસમાં મુકાય ગયા છે. જો કે, સરકારી બાબુઓ, ધારાસભ્ય, સાંસદો સહિતના નેતાઓને પ્રતિ માસ સમયસર લાખો રૂપિયાનો પગાર મળતો હોય તો જરૂરિયાતમંદોને પગારથી વંચિત રાખવા એ ક્યાંનો ન્યાય ?

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઈ અને ગીરીશભાઈ કોટેચાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરાયેલી વિધવા સહાય યોજના તથા વિકલાંગ પેન્શન યોજના હેઠળ ગરીબ અને નિરાધાર વર્ગને જીવનનિર્વાહ ચલાવવા માટે દર મહિને નજીવી રકમનું પેન્શન ચુકવવામાં આવે છે. પણ આ ગરીબોને લાંબા સમયથી પેન્શન ચૂકવાયું નથી. આ બાબતે અગાઉ પણ અનેક રજુઆત કરવા છતાં હજુ સુધી પેન્શનથી વંચિત રખાયા છે. જો સરકારી નેતાઓ અને અધિકારીઓનો પગાર 1 તારીખે જમા થઈ જતો હોય, તો આ વિધવાઓ અને નિરાધાર લોકો સાથે આવો અન્યાય કેમ ? હાલમાં કેટલાક ગરીબ લોકો પાસે ભાડા તથા ખાવાના પૈસા પણ બચ્યા નથી. બીજીતરફ અનેક લાભાર્થીઓ જે ખરેખર સરકારી યોજના હેઠળ પેન્શન મળવાની પાત્રતા ધરાવતા હોવાથી અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં બેન્ક કે પોસ્ટ ખાતામાં તેમનું પેન્શન જમા થતું નથી. કેટલાક કિસ્સાઓમાં તો વર્ષોથી પેન્શન અટકેલું છે અને લાભાર્થીઓને કચેરીઓના ધક્કા ખાવા છતાં સંતોષકારક જવાબ મળતો નથી. પેન્શન એ આ નિરાધાર વર્ગના જીવનનિર્વાહનો એકમાત્ર સ્ત્રોત છે અને તેના વગર તેઓને ખોરાક, દવાઓ અને રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ગંભીર આર્થિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ મામલે અટકેલી પેન્શનની રકમ વહેલી તકે લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થા કરવાની માંગ કરી તેમ છતાં 15 દિવસમાં પેન્શન ખાતામાં જમા નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.