Tuesday - Apr 21, 2026

સુપ્રિમકોર્ટે શરતી જામીન આપ્યા બાદ જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ હાજર થતા બન્ને પક્ષે ધારદાર દલીલો બાદ એક લાખના જામીન સહિતની શરતે જામીન મળ્યા

સુપ્રિમકોર્ટે શરતી જામીન આપ્યા બાદ જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ હાજર થતા બન્ને પક્ષે ધારદાર દલીલો બાદ એક લાખના જામીન સહિતની શરતે જામીન મળ્યા

બાળકો, મોટેરાઓ સહિત 135 લોકોનો ભોગ લેનાર ગોઝારી મોરબી ઝૂલતાપુલ  દુર્ઘટના કેસમાં અગાઉ પકડેલા આરોપીઓ એક પછી એક જામીન પર મુક્ત થતા હોય ત્યારે આ દુર્ઘટનાના મુખ્ય  હાઈ પ્રોફાઈલ આરોપી એવા 800 કરોડની સંપત્તિના માલિક અને ઓરેવા ગ્રુપના સર્વેસર્વા જયસુખ પટેલને ફરતે કાયદાનો ગાળિયો કસાયો હોય તેમને જામીન પર મુક્ત થવામાં પગે પાણી આવી ગયા હતાં. જેમાં અહીંની સેશનશ કોર્ટ, હાઇકોર્ટેએ જામીનને ફગાવી દેતા આ મામલે સુપ્રિમકોર્ટે મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને શરતી જામીન આપવા હુકમ કર્યા બાદ આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલતા સરકાર અને બચાવપક્ષે ધારદાર દલીલો બાદ કોર્ટે એક લાખના જામીન તેમજ કોર્ટની પરવાનગી વગર વિદેશ નહીં જવાની શરતો ઉપરાંત કોર્ટ કેસ ચાલે ત્યાં સુધી મોરબીમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા.

મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આજે સોમવારે ઉઘડતી અદાલતે ઝૂલતાપૂલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા ટ્રાયલ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ સી.જાનીએ કોર્ટ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી આરોપી ત્રણ મહિના ફરાર રહ્યા હોવાનું અને તેમના વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ અને લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ હોવાનું જણાવી આરોપી મોરબી સીટી વિસ્તારમાં ન પ્રવેશે અને પાસપોર્ટ કોર્ટમાંઆ જમા લેવા અને જરૂરત પડ્યે પાસપોર્ટ આપવા જણાવ્યું હતું.

દરમિયાન બચાવપક્ષના એડવોકેટ અનિલભાઈ દેસાઈએ દલીલ કરી કે તેમના અસીલ ઇન્ડસ્ટ્રીયલીસ્ટ હોય તેમને કલોક, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઇ બાઈક અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો બિઝનેશ હોવાનું ધ્યાને લઇ કોર્ટ કહે તે શરતો મંજુર હોવાનું જણાવી કોર્ટ સમગ્ર મામલે વ્યાજબી શરતો મૂકે તેવી દલીલ કરતા કોર્ટ જયસુખભાઇ પટેલને એક લાખના જામીન, કેસ ચાલે ત્યાં સુધી મોરબી જિલ્લામાં પ્રવેશ ન કરવો, સાક્ષીઓ તેમજ પુરાવાઓ સાથે ચેડાં ન કરવા અને પાસપોર્ટ જમા કરાવવાની શરત ઉપરાંત કોર્ટની પરવાનગી વગર વિદેશ ન જવાની શરતે જામીન મંજુર કર્યાનું તેઓના વકીલ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું.