અધૂરા રોડ રીપેરિંગ, રખડતા પશુઓ, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય કેન્દ્રમાં પૂરતા સ્ટાફ તેમજ પીવાના શુધ્ધ પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડવા કોંગ્રેસની મનપાને
મોરબી : મોરબી શહેરમાં G.E.B.ની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જીઇબીની લાઇન નાખવા રોડ રસ્તા તોડી નાખવામાં આવ્યા બાદ જેમની તેમ જ હાલતમાં છોડી દેવાયા છે. તૂટેલા રોડનું યોગ્ય રીતે રીપેરિંગ ન કરવાને કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તેમાં પણ છ મહિના પહેલાં બનેલા નવા રોડ પણ તોડીને કામ કરવામાં આવ્યું હોવાથી તે રસ્તાઓ ફરી તૂટવા લાગ્યા છે, વિસીપરા વિસ્તારનો ચાર ગોદામથી અમરેલી રોડ તરફનો મુખ્ય માર્ગ તાત્કાલિક ધોરણે સી.સી. રોડ બનાવવાની તેમજ નટરાજ ફાટકથી જૂની પરશુરામ પોસ્ટ ઓફિસ સુધી ડબલ લેન રોડ બનાવવાની અને શહેરના તમામ વિસ્તારોમાં સ્પીડ બ્રેકરની સાઇઝ યોગ્ય રાખવા અને બિનકાયદેસર સ્પીડબ્રેકર તાત્કાલિક દૂર કરવાની કોંગ્રેસે મનપાને રજુઆત કરાઈ છે.
શહેરના મુખ્ય માર્ગો પરના રખડતા પશુઓના ત્રાસ અંગે જણાવ્યું છે કે મહાનગરપાલિકાની ટીમ માત્ર ગાયોને પકડીને સંતોષ માને છે. જોકે, રોડ પર આખલાઓનો ત્રાસ વધુ હોય, સૌપ્રથમ આખલાઓને પકડવાની કાર્યવાહી કરવા, મોરબી-2 વિસ્તારમાં સામાકાંઠે એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડથી ફ્લોરા અક્ષર સીટી ડી-માર્ટ મોલવાળા રસ્તે સ્ટ્રીટ લાઇટના પોલ અને લાઇટ લગાવેલ હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું કનેક્શન આપીને તાત્કાલિક ધોરણે લાઇટ શરૂ કરવા, સામાકાંઠે સો-ઓરડી પાછળ આવેલી શક્તિ સોસાયટીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, નર્સ કે આશા વર્કર બહેનોની ગેરહાજરીને કારણે ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, જરૂર મુજબના સ્ટાફની તાત્કાલિક ભરતી કરવા, મનપામાં નવા ભળેલા આવેલા ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો અંગે પણ ધ્યાન દોરી આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અપૂરતી હોવાથી તેને પૂર્ણ કરવા, આ વિસ્તારોમાં યોગ્ય સર્વે કરીને જ્યારેથી મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા હોય ત્યારથી જ વેરો લેવામાં આવે અને સમગ્ર શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે મોરબી શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવવાની મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાપાલિકાના કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.