હળવદમાં યુવાન પાસેથી ઉંચુ વ્યાજ વસૂલવા મોરબીના ચાર વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ
હળવદ : મોરબી શહેર - જિલ્લામાં વ્યાજખોરો ફાટીને ધુમાડે ગયાની અનેક ફરિયાદો પોલીસને મળી રહી છે ત્યારે મજૂરી કામ કરી જીવનનિર્વાહ કરતા હળવદના યુવકે મોરબીના ચાર વ્યાજખોરો પાસેથી 5 ટકા ઉંચા વ્યાજે 3 લાખ લીધા બાદ વ્યાજખોરોએ 7 ટકા ઉંચા વ્યાજની માંગણી કરી હળવદ યુવકના ઘેર જઈ છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરમાં મોરબી દરવાજા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા દીપકભાઈ મનજીભાઈ સોનાગ્રા ઉ.વ.32 નામના યુવકે આરોપી ગીતાબેન સાહિલભાઈ જામણા, સાહિલ ઇબ્રાહિમભાઈ જામણા ઝઆયન શાહમદાર અને આરોપી હસન હાજી કુરેશી રહે.તમામ કાલિકા પ્લોટ મોરબીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે પૈસાની જરૂરત પડતા આરોપીઓ પાસેથી 5 ટકા ઉંચા વ્યાજે કટકે કટકે 3 લાખ રૂપિયા વ્યાજે લઈ બાદમાં વ્યાજ ચૂકવ્યું હતું.આમ છતાં આરોપીઓએ 44 હજાર કઢાવી લઈ બાકીની મૂડી પર 7 ટકા ઊંચું વ્યાજ ચૂકવવું પડશે તેમ કહી હળવદ ફરિયાદીના ઘરમાં ઘુસી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. હળવદ પોલીસે દીપકભાઈની ફરિયાદના આધારે મહિલા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મનીલેન્ડર્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.